Homeગુજરાતીગુજરાતરાજકોટમાં રૂપિયા 11 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ભાણેજે મામાને લૂંટવા તરકટ રચ્યુ...

રાજકોટમાં રૂપિયા 11 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ભાણેજે મામાને લૂંટવા તરકટ રચ્યુ હતુ

રાજકોટ, 12 ઓક્ટોબર, 2026 : Rs 11 lakh robbery solved શહેરના નાના મવા રોડ પર સાગર ચોક નજીક બાઇકમાં રૂપિયા 11 લાખ ભરેલો થેલો લઈને જતા મામા ભાણેજને આંતરી બે બાઈક સવાર લૂંટ ચલાવી નાસી ગયા હતા.  આ લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. લૂંટના બનાવની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને પોલીસને પ્રાથમિક તપાસમાં લૂંટના બનાવમાં કોઈ જાણભેદુ કે નજીકનો વ્યક્તિ હોવાની શંકા હતા. આખરે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો છે. મામા પાસેથી લીધેલા ₹40 લાખ પરત ન ચૂકવવા પડે તે માટે ખુદ ભાણેજે જ પોતાના અંગત મિત્રો સાથે મળીને ફિલ્મી ઢબે લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તાલુકા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટના બનાવની વિગત એવી છે કે, શહેરના નાના મવા રોડ પર સાગર ચોક નજીક બાઇકમાં રૂપિયા 11 લાખ ભરેલો થેલો લઈને જતા મામા ભાણેજને આંતરી બે બાઈક સવાર લૂંટ ચલાવી નાસી ગયા હતા. લૂંટનો આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલ્યો છે.  શહેરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ ઝાલાને તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ વાઘેલા પાસેથી અગાઉ આપેલા ₹40 લાખની ઉઘરાણી નીકળતી હતી. ધીરેન્દ્રસિંહે તેમાંથી હાલ ₹11 લાખ આપવાની વાત કરી મામા હરદેવસિંહને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ હરદેવસિંહ પોતાના બાઇક પર ધીરેન્દ્રસિંહને સાથે બેસાડી મોટામવા ખાતે રહેતી સાળીના ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન નાનામવા રોડથી સાગર ચોક તરફના રસ્તા પર પાછળથી નંબર પ્લેટ વગરના બાઇક પર આવેલા બે શખ્સોએ હરદેવસિંહના બાઇકને જોરથી લાત મારી હતી. આ સમયે પાછળ બેઠેલા ધીરેન્દ્રસિંહે ‘લૂંટારૂ શખસોની પાછળ બાઇક દોડાવવા જણાવ્યું હતું. અને થોડીવારમાં બંને અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હોવાનો દેખાવ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 112 પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી ₹11 લાખ ભરેલી બેગ લૂંટાઈ ગયાની ખોટી વર્દી લખાવી હતી.

પોલીસે શંકાના આધારે ભાણેજની આકરી પૂછતાછ કરતા ભાણેજ ભાંગી પડ્યો  હતો. અને ભાણેજ ધીરેન્દ્રસિંહના જવાબોમાં અનેક વિસંગતતાઓ જણાઈ હતી. અને લૂંટના તરકટની કબૂલાત કરી લીધી હતી. તેણે જણાવ્યું કે, મામા હરદેવસિંહ પાસેથી લીધેલા ₹40 લાખ પરત કરવાની આર્થિક સગવડ ન હોવાથી ઉઘરાણીમાંથી છૂટકારો મેળવવા માટે તેણે આ લૂંટનું નાટક રચ્યું હતું. ધીરેન્દ્રસિંહે તેના બે પરિચિત મિત્રો ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવા સાથે મળીને પહેલેથી જ પૂર્વઆયોજિત સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. યોજના મુજબ બેગમાં મોટી રકમ હોવાનો માત્ર આભાસ ઊભો કરવામાં આવ્યો હતો અને રસ્તામાં મિત્રોને એ બેગ સોંપી દઈ લૂંટ થઈ હોવાની વાર્તા ઉપજાવી કાઢી હતી. પોલીસે આ સમગ્ર મામલે કાયદાનો દુરુપયોગ કરવા, પોલીસને ગેરમાર્ગે દોરવા તેમજ ગુનાહિત ષડયંત્ર રચવા બદલ ધીરેન્દ્રસિંહ વાઘેલા, ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવા સામે ગુનો નોંધી કાયદેસરના પગલાં ભર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular