Homeગુજરાતીગુજરાતકરજણ નદી પર બ્રિજના નબળા બાંધકામ સામે કડક કાર્યવાહીનો સીએમએ આપ્યો આદેશ

કરજણ નદી પર બ્રિજના નબળા બાંધકામ સામે કડક કાર્યવાહીનો સીએમએ આપ્યો આદેશ

ગાંધીનગર, 18 ઓક્ટોબર, 2026 : CM orders strict action against poor bridge construction નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ ઉપર કરજણ નદી પરના મેજર બ્રિજના બાંધકામની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટર સામે અસરકારક અને કડક પગલાં લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગને આ બ્રિજના બાંધકામમાં સંકળાયેલા મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત સામે ફોજદારી ફરિયાદ-FIR દાખલ કરવાના દિશાનિર્દેશો આપવાને પગલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે.

રાજપીપળા અને રામગઢ આસપાસના વિસ્તારો માટે ખૂબ જ અગત્યતા ધરાવતા આ બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત ન હોવાથી આ પુલ જોખમી જણાયો હતો.

બ્રિજના નિરીક્ષણ અને પરીક્ષણ બાદ આ પુલના ઇજારદાર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત નબળી કામગીરી માટે સંબંધિત અધિકારી અને કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યાં છે.

માર્ગ અને મકાન વિભાગે  આ  બ્રિજનું કામ ૨૦૧૮-૨૦૧૯ માં ઇજારદાર મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત ને સોંપેલું હતું. આ કામની ટેન્ડર રકમ રૂ. ૧૦.૭૧ કરોડ હતી અને કામગીરી શરૂ કરવાની તારીખ તા. ૧૫/૦૯/૨૦૧૮ હતી તથા કામગીરી ભૌતિક રીતે ખરેખર તારીખ ૧૪/૦૮/૨૦૨૦ના રોજ પૂર્ણ થઈ હતી.

વિભાગ દ્વારા બ્રિજની ચકાસણી દરમિયાન એક ફાઉન્ડેશન સેટલ થવાનું ધ્યાને આવેલ હતું. આ ક્ષતિ જણાતા ક્વોલિટી કંટ્રોલ પ્રભાગ દ્વારા સંપૂર્ણ બ્રિજનું પરીક્ષણ-નિરીક્ષણ કરવા જણાવ્યું હતું. તેમાં તપાસમાં બ્રિજના અન્ય ભાગોમાં પણ ક્ષતિ ધ્યાને આવી હતી.

બ્રિજ વાહનવ્યવહાર માટે યોગ્ય અને સલામત ન હોવાનું જણાતાં તેના પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પણ પડી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ ગંભીર ક્ષતિ ધ્યાને લઈને બ્રિજના બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટર મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ. તથા તેના પ્રતિનિધિઓ સામે લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અન્વયે ફોજદારી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત, તેમણે બ્રિજના બાંધકામમાં થયેલી નબળી કામગીરી અને સંબંધિત બેદરકારી અંગે જવાબદાર અધિકારીઓ સામે પણ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ હેઠળ કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર જાહેર બાંધકામોમાં ગુણવત્તા અને સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવા માગતી નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular