વડોદરા, 21 ઓક્ટોબર, 2026 : A young woman driving an Activa died after being hit by a dumper શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અટલબ્રિજ પર સર્જાયો હતો. પૂરપાટ ઝડપે ડેમ્પરે એક્ટિવાચાલક યુવતીને અડફેટે લેતા ડમ્પરનું તોતિંગ વ્હીલ યુવતી પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ગોરવા પોલીસ અને મૃતક યુવતીના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીના મૃતદેહને જોઈ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ગોરવા પોલીસે ડમ્પર કબજે કરી ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાની વિગત એવી છે કે, શહેરના વડીવાડી ફાયર સ્ટેશન પાસે અટલ બ્રિજ પરથી ટુ વ્હીલર લઈને પસાર થઈ રહેલી યુવતીને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ડમ્પરનું પાછળનું તોતિંગ પૈડું યુવતી પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં મૃતક યુવતી હેતવી જીતેન્દ્ર માંડગે દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હાથીભાઈનગર, મારુતિધામમાં રહેતી હતી. અકસ્માતની જાણ થતાં ગોરવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બીજી તરફ, યુવતીના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ હેતવીનો મૃતદેહ જોઈને હૈયાફાટ આક્રંદ કરતાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અકસ્મતમાં યુવતીનું મોત થતા ગોરવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળની નંબર પ્લેટ ન હોવાનું પણ સામે આવ્યું હતું. ગોરવા પોલીસે ડમ્પર ચાલક દિવ્યાશકુમાર મહેન્દ્રભાઈ ચૌહાણ (ઉંમર 28 વર્ષ, રહે. પટેલ ફળિયું, હરિપુરા ગામ, તા.જી. વડોદરા)ને ઝડપી પાડ્યો છે.


