અમરેલી , 13 નવેમ્બર, 2026 : Mango crop likely to decline as mangoes fail to bloom due to adverse weather conditions ગુજરાતમાં શિયાળાના પ્રારંભે પણ હજુ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. પ્રતિકૂળ વાતાવરણને લીધે કેરીની આંબાવાડીઓ પર ખાસ અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા, સાવરકૂંડલા સહિત વિસ્તારોમાં અનેક આંબા વાડીઓ આવેલી છે. આ વિસ્તારની આંબાવાડીઓમાં આંબાઓ પર હજુ મોર બેઠા નથી. રાત્રિના તાપમાનમાં ઘટાડો શરૂ થતાં આંબામાં ફ્લાવરિંગ એટલે કે મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે દિવાળી વીતી ગઈ હોવા છતાં રાત્રિના તાપમાનમાં અપેક્ષિત ઘટાડો થયો નથી. જેના કારણે આંબામાં હજુ સુધી ધાર્યું ફ્લાવરિંગ જોવા મળતુ નથી.
અમરેલી જિલ્લામાં રાત્રીનું તાપમાન હજુ ઉંચુ નોંધાતા તેની અસર કેરીના પાક પર પડી રહી છે. દિવાળીના પ્રારંભે આંબાઓ પર મોર બેસી જતા હોય છે. આંબામાં મોર આવવાની પ્રક્રિયા મોડી પડતાં આગામી કેરીની સિઝનના ઉત્પાદન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ખેડૂતોના અંદાજ પ્રમાણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 20થી 25 ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે. જો આગામી દિવસોમાં પણ વાતાવરણ અનુકૂળ નહીં બને તો ઉત્પાદન પર વધુ માઠી અસર પડી શકે છે. બીજી તરફ ઉત્પાદન ઘટવાની શક્યતાને પગલે આગામી સિઝનમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવ ઊંચા રહેવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ખેડૂતોના કહેવા મુજબ સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીની શરૂઆત થતાં આંબાની ડાળીઓ પર મોર બેસવાની પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ આ વર્ષે દિવસ અને રાત્રિના તાપમાનમાં અપેક્ષિત ઘટાડો નહીં થતાં આંબામાં ફ્લાવરિંગની સ્થિતિ નબળી જોવા મળી રહી છે. અમરેલી વિસ્તારમાં અમુક ગણ્યા-ગાંઠ્યા આંબામાં જ થોડા પ્રમાણમાં મોર દેખાઈ રહ્યો છે, જ્યારે મોટા ભાગના આંબા હજુ ફ્લાવરિંગની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે વાતાવરણની અનિયમિતતા અને વરસાદના ખેંચાણને કારણે આંબામાં ધાર્યો મોર આવ્યો નથી. અમુક ગણ્યા-ગાંઠ્યા આંબામાં જ થોડા પ્રમાણમાં મોર જોવા મળી રહ્યો છે.અને આંબા પર નવી કુપળો ફુટિ રહી છે.
વર્તમાન સમયમાં જે પ્રમાણે ઠંડી પડવી જોઈએ તે પ્રમાણે ઠંડી પડતી નથી. જેના કારણે આંબામાંથી મોર બહાર આવવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે. આગામી દિવસોમાં મોર આવી જાય, તો પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતા ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. કારણ કે ફ્લાવરિંગ આવ્યા બાદ વાતાવરણમાં થતો અચાનક પલટો પણ પાકને નુકસાન પહોંચાડી શકે છે.
આંબામાં ફ્લાવરિંગ બાદ ફળ બેસવાની અને તેના વિકાસની પ્રક્રિયા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવું જરૂરી છે. જો પાણીની અછત રહેશે તો આંબા પર બેસનાર કેરીનો વિકાસ યોગ્ય રીતે થઈ શકશે નહીં અને ફળનું કદ પણ નાનું રહેવાની શક્યતા છે. આમ, એક તરફ મોર આવવાની પ્રક્રિયા મોડી પડી છે તો બીજી તરફ પાણીની અછત આગામી પાક માટે વધુ એક પડકાર બની રહી છે.








