રાજકોટ, 18 નવેમ્બર,2026 : Farmer couple dies after live electricity wire falls on outskirts શહેર નજીક આવેલા રાજકોટ તાલુકાના હલેન્ડા ગામની સીમમાં ખેડૂત દંપત્તી પોતાની વાડીમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે વાડીમાંથી પસાર થતો 11 કેવીનો વીજળીનો જીવંત વાયર તૂટી પડતા ખેડૂત દંપત્તીનું મોત નિપજ્યું હતું, આ બનાવથી વાડીમાં જ કામ કરતા ખેડૂત દંપત્તીના પૂત્ર અને પૂત્રવધુ પણ દોડી આવ્યા હતા. બન્ને માતા-પિતાને બચાવવા જતા દાઝી ગયા હતા. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ તથા પીજીવીસીએલનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ-આટકોટ રોડ પર આવેલા હલેન્ડા ગામની સીમમાં મંગળવારે વહેલી સવારે પોતાની વાડીએ ખેતીકામ કરી રહેલા ખેડૂત દંપત્તી ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા (ઉ.વ.71) અને તેમના પત્ની કાંતાબેન ગાંડુભાઈ વાવડીયા (ઉ.વ.70) પર વીજપોલ પરથી અચાનક 11 કે.વી.નો જીવંત વીજવાયર તૂટી પડતા ભારે કરંટ લાગવાથી ખેડૂત દંપતીનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ગાંડુભાઈ અને કાંતાબેન પોતાની વાડીએ રોજિંદુ ખેતીકામ કરી રહ્યા હતા દરમિયાન અચાનક વીજવાયર તૂટીને સીધો તેમના પર પડ્યો હતો. પ્રવાહ ચાલુ હોવાથી બંને વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. વીજળીનો શોક લાગતાની સાથે જ દંપતીએ બૂમાબૂમ કરી મૂકી હતી જેનો અવાજ સાંભળી ખેતરમાં નજીકમાં જ કામ કરતો તેમનો પુત્ર હસમુખ અને પુત્રવધૂ દયા બચાવવા માટે દોડી આવ્યા હતા પણ મોડું થઈ ગયું હતું. આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પરંતુ ગંભીર રીતે દાઝી ચૂકેલા દંપતીને બચાવવાની કોઈ તક મળી ન હતી.
આ ઘટનામાં પુત્ર અને પુત્રવધૂને પણ ઈજા પહોંચી હતી જેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગાંડુભાઈ બે ભાઈઓ અને ચાર બહેનોમાં મોટા હતા તેમજ દંપતીને સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરીઓ છે. દંપતી નિત્યક્રમ મુજબ વાડીએ કામ કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
હલેન્ડાના ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી વીજવાયરો અત્યંત જર્જરિત હાલતમાં છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્ર સામે કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે. હાલ બનાવ અંગે આજીડેમ પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી દંપતીના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








