પાલનપુર, 18 નવેમ્બર,2026 : Stone pelting between two communities in Teywada બનાસકાંઠાના વડગામ તાલુકાના તેનીવાડા ગામે નજીવી બાબતે બે કોમ વચ્ચે સામસામો પથ્થરમારો થયો હતો. ગામમાં ટ્રેક્ટર અને બાઈકને ઓવરટેક કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે કોમ વચ્ચે ઘર્ષણ થયુ હતું. અને બંને પક્ષના લોકો સામસામે આવી જતા મારામારી અને પથ્થરમારો થયો હતો. આ બનાવની જાણ થતાં છાપી પોલીસ સ્ટેશનનો કાફલો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. બન્ને પક્ષે 24 લોકો સામે ફરિયાદ નોંધીને 12 લોકોની અટકાયત કરીને ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ બનાવની વિગતો એવી છે કે, વડગામના તેનીવાડા ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર લઈને જઈ રહી હતી, તે દરમિયાન બીજી વ્યક્તિ બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહી હતી. રસ્તામાં વાહન ઓવરટેક કરવાની બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો એકઠા થઈ જતા મામલો બિચક્યો હતો અને બંને જૂથ વચ્ચે મારામારી તેમજ પથ્થરમારાની ઘટના બની હતી. બન્ને કોમ વચ્ચે ભારે પથ્થરમારો થતાં અફરા-તફરી મચી ગઈ હતી.
આ અંગે છાપી પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે તેનીવાડા ગામે બનેલી ઘટનામાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં એક પક્ષે 11 લોકો સામે અને બીજા પક્ષે 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, તેમજ બંને ફરિયાદોમાં અજાણ્યા લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 24 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.








