દ્વારકા, 28 નવેમ્બર, 2026 : CM inaugurates tourist facility projects at Shivrajpur Beach મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે સ્થિત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા અંદાજિત ૧૦૨ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલી પ્રવાસન-યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.
પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપુર બીચને પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપુર બીચ ખાતે અંદાજે રૂ.ર૩.૪૩ કરોડના ખર્ચે જે પ્રવાસન-યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યુ છે તેમાં ફેઇઝ-૧ અંતર્ગત અરાઈવલ પ્લાઝા, સ્નોર્ક્લિંગ પ્લાજા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ , પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઇલેટ બ્લોક,ચેંજિંગ રૂમ, ઇલેક્ટ્રિક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક,સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અંદાજે રૂ.૭૮.૮૫ કરોડના ખર્ચે ફેઇઝ- ૨ અંતર્ગત ઈવેન્ટ ગ્રાઉંડ, એમ્ફીથીયેટર,ફોર્ટ રિસ્ટોરેશન, બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, જુદા-જુદા ડેક, બીચ લાઈટીંગ, શૌચાલય, ચેન્ઝીગ રૂમ, શાવર રૂમ કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ, ઈરીગેશન વર્ક, હોર્ટિકલ્ચર વર્ક , ચિલ્ડ્રન પ્લે એરિયા, સહિતની પ્રવાસન લક્ષી સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે.
પ્રવાસન સચિવ અને અધિકારીઓ દ્વારા શિવરાજપુર બીચ ખાતે વિકસિત કરાયેલ પ્રવાસનલક્ષી સુવિધાઓ વિશે મુખ્યમંત્રીશ્રીને વિસ્તૃત જાણકારી પૂરી પડવામાં આવી હતી.
ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રોજગાર પ્રાપ્ત થશે. એટલુ જ નહિ, પ્રવાસન સેક્ટર દ્વારા સંપૂર્ણ ઈકોનોમી સાયકલને વેગ મળશે અને વડાપ્રધાનશ્રીએ આપેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા રાજ્યની ઈકોનોમીને બુસ્ટ મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકાધિશ મંદિરમાં પૂજા – અર્ચના કર્યા બાદ શિવરાજપૂર બીચ ખાતે પ્રવાસનલક્ષી સુવિધાઓનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા.
આ વેળાએ સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, પબુભા માણેક, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી, પુનિત શર્મા, સહદેવસિંહ માણેક સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








