વડોદરા, 29 નવેમ્બર,2026 : Crocodile Bridge to be built in Sayajibaug શહેરના સયાજીબાગમાં મગરોને સમર્પિત એક અનોખો આઇકોનિક બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે રૂપિયા 12.70 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ક્રોકોડાઇલ બ્રિજમાં 270 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. ક્રોકોડાઈલ બ્રિજ પર એકસાથે 200 લોકો ઊભા રહી શકશે. મગરના માથા અને પૂંછડીની આકૃતિ ધરાવતી ડિઝાઇન, મગરની ચામડી જેવી ભાતવાળી રેલિંગ અને ખાસ વ્યુઇંગ ઝોન આ પ્રોજેક્ટને અલગ ઓળખ આપશે. વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોને સુરક્ષિત અંતરેથી નિહાળવા માટે પણ અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
શહેરના સયાજીબાગમાં જૂના ફૂટ ઓવરબ્રિજની જગ્યાએ મગરોને સમર્પિત એક અનોખો આઇકોનિક ક્રોકાડાઈલ બ્રિજ બનાવાશે. આ નવા આધુનિક બ્રિજની કુલ લંબાઈ 57 મીટર અને પહોળાઈ 7.80 મીટર રાખવામાં આવશે. બ્રિજના મધ્યભાગમાં ત્રણ મીટરનો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે, જ્યારે બંને બાજુ બે-બે મીટરના વૉક-વેની વ્યવસ્થા રહેશે. આ રીતે રાહદારીઓ અને સાયકલ ચાલકો માટે કુલ સાત મીટરની ક્લિયર સ્પેસ ઉપલબ્ધ થશે. બ્રિજની સાથે સાયકલ ટ્રેકની બંને બાજુ આર.સી.સી. રેલિંગ પણ બનાવવામાં આવશે. આ બ્રિજ સિંગલ સ્પાન પ્રકારનો હશે. તેની ડિઝાઇન એકસાથે ઓછામાં ઓછા 200 લોકોની અવરજવર અને હાજરીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. માત્ર નદી પાર કરવા માટે જ નહીં, પરંતુ લોકો અહીં ઊભા રહીને વિશ્વામિત્રી નદીનું સૌંદર્ય નિહાળી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મ્યુનિના સૂત્રોના કહેવા મુજબ ક્રોકાડાઈલ બ્રિજની મજબૂતાઈ અને સ્થિરતા માટે કુલ 270 મેટ્રિક ટન સ્ટીલ વાપરવાનું આયોજન છે. તેમાંથી 110 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ મગરના આકારની વિશિષ્ટ ડિઝાઇન તૈયાર કરવા માટે કરવામાં આવશે. મુખ્ય માળખામાં 57 મીટર લાંબો સ્ટીલ બોક્સ અને E-350 ગ્રેડના સ્ટ્રક્ચરલ સ્ટીલથી તૈયાર થનારી સ્ટીલ આર્ચનો સમાવેશ થશે. નદીના ભાગમાં 1200 મિમી વ્યાસના પાઇલ ફાઉન્ડેશન બનાવવામાં આવશે, જેમાં M-35 ગ્રેડના કોન્ક્રીટનો ઉપયોગ થશે. જ્યારે સબ-સ્ટ્રક્ચરમાં 1.4 મીટર જાડાઈના આર.સી.સી. એબ્યુટમેન્ટ તૈયાર કરાશે, જેના માટે M-40 ગ્રેડનું કોન્ક્રીટ વાપરવાનું આયોજન છે. આ રીતે બ્રિજની ડિઝાઇનમાં દેખાવની સાથે માળખાકીય મજબૂતાઈ અને સ્થિરતાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. બ્રિજ સાથે ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન પણ વિકસાવવામાં આવશે, જ્યાંથી નાગરિકો અને પ્રવાસીઓ વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોને નિહાળી શકશે. સિમેન્ટ-કોન્ક્રીટ અને સ્ટીલના મજબૂત માળખા સાથે સુરક્ષાની વ્યવસ્થા રાખવામાં આવશે. પર્યાવરણ સાથે સુમેળ જળવાય અને નદીના પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ પણ થઈ શકે તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.








