ગાંધીનગર, 29 નવેમ્બર,2026 : Awareness about marriages abroad રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના NRI (નોન-રેસિડન્ટ ઇન્ડિયન)વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન (NRG ફાઉન્ડેશન) દ્વારા વિદેશમાં લગ્ન સાથે સંકળાયેલા કાયદાકીય પાસાઓ, સંભવિત જોખમો અને સાવચેતીના પગલાં અંગે યુવક-યુવતિઓને માહિતગાર કરવા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં આ વિષયને લગતા સેમિનાર આણંદ, રાજકોટ અને વડોદરા ખાતે યોજાયા હતા. ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2013થી 2026 દરમિયાન રાજ્યભરમાં અંદાજે 72 જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યા છે, જેના થકી ગુજરાતના આશરે 29,000 યુવાનોને લાભ મળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા આ રાજ્યવ્યાપી અભિયાનનો હેતુ વિદેશમાં લગ્ન અંગે યુવાઓને જરૂરી જ્ઞાન આપીને માહિતગાર અને યોગ્ય નિર્ણયો લેવામાં સક્ષમ બનાવવાનો છે.
ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને અગ્ર સચિવ (NRI) હરીત શુક્લા (IAS)એ જણાવ્યું કે, “આ પહેલનો હેતુ વિદેશમાં લગ્નના નામે થતી છેતરપિંડી, ખોટી માહિતી આપવી, લગ્ન બાદ જીવનસાથી દ્વારા ત્યજી દેવા અને વિદેશમાં ઊભી થતી કાયદાકીય મુશ્કેલીઓ અંગે યુવાઓ તથા તેમના પરિવારોને જાગૃત કરવાનો છે. આ અભિયાનમાં ભાવિ જીવનસાથીની પૃષ્ઠભૂમિની ખરાઈ કરવી, સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવી, જે તે દેશના કાયદાઓ સમજવા તેમજ વ્યક્તિઓને ઉપલબ્ધ અધિકારો અને કાયદાકીય ઉપાયોની જાણકારી મેળવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે.”








