• અંગત અદાવતમાં બદલો લેવા કર્યુ કૃત્ય,
• ડિલિવરી બોય અને પાર્સલ રિસિવ કરનારાને ઈજા,
• પોલીસે ત્વરિત તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી દીધો
અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનારને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા છે. શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને આવ્યો હતો, જેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં બળદેવભાઈના ભાઈને ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી ગયો હતો. પોલીસે આ બનાવમાં એક વ્યક્તિની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ બનાવ અંગત અદાવતમાં બન્યો હોવાનું જાણવા મળ્યુ છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતાં જ જોરદાર બ્લાસ્ટ થતાં જ પાર્સલ લઈને આવેલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક સાથે બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનારી વ્યક્તિને અટકમાં લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સાબરમતી વિસ્તારમાં જેમના ઘર પર બ્લાસ્ટ થયો તે બળદેવભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, પાર્સલ લઈને એક વ્યક્તિ આવ્યો હતો. પાર્સલ મે મંગાવ્યું નહોતું જેથી લીધું નહોતું. પાર્સલ લઈને આવનારે કહ્યું કે, મને સુરેશભાઈએ મોકલ્યો હતો. આ દરમિયાન પાર્સલમાં એકાએક આગ ચાલુ થઈ હતી. ત્યારબાદ જબરજસ્ત વિસ્ફોટ થયો હતો, થોડી વાર તો હું બ્લાઈન્ડ થઈ ગયો હતો અને મારા કાકા દીકરાને ઈજા થઈ ગઈ હતી. પાર્સલ લઈને આવ્યો તેના પણ હાથ ફાટી ગયા હતા. ફોન નંબર માંગ્યો તો પણ આપ્યો ન હતો. રૂપેણ નામના વ્યક્તિ પર મને શંકા છે. હું હાઇકોર્ટમાં ક્લાર્ક છું. મે રૂપેણને પાસામાં અનેક વખત છોડયો છે. આ વખતે કામ ના કર્યું એટલે આવું કર્યું છે. દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે.રૂપેણ મારા 12 વર્ષથી પરિચયમાં છે.
આ બનાવ અંગે સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે સવારે 10:45 વાગે શિવમ રો હાઉસમાં બળદેવભાઈ ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને આવ્યો હતો, જેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં બળદેવભાઈના ભાઈને ઇજા પહોંચી છે, જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પાર્સલ લઈને આવનારા ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે. આ બ્લાસ્ટમાં દારૂખાનાનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પાસે બ્લાસ્ટ કરાવનારી વ્યક્તિઓનાં નામ આવી ચૂક્યાં છે, જેને લઈને તપાસ ચાલી રહી છે. જે પાર્સલમાં બ્લાસ્ટ થયો છે એ આપનારી વ્યક્તિનું નામ ગૌરવ ગઢવી હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ FSL અને પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનાર વ્યકિતને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.