
- મહિલા મેયરે 6 બહેનપણી સાથે મહાકુંભમાં પહોચ્યા
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે, મેયર મંજુરી મેળવીને સરકારી કારમાં મહાકુંભ ગયા છે
- મહિલા મેયર પાસેથી કિલો મીટરદીઠ બે રૂપિયા ભાડુ વસુલ કરાશે
રાજકોટઃ શહેરના મેયર નયનાબેન પોતાના પતિ અને 6 સહેલીઓ સાથે કૂંભના મેળામાં સરકારી કાર લઈને જતાં વિવાદ સર્જાયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, પ્રજાના ટેક્સના પૈસે ચાલતી સરકારી કાર લઈને શહેરના મેયર મહાકુંભના પ્રવાસે જવા ઉપડી ગયા છે. સરકારી કારમાં રાજકોટના મેયરનો ખાનગી પ્રવાસ સામે અનેક સવાલો ઉઠ્યા છે. જો કે આ અંગે વિવાદ ઉઠતા સ્ટેન્ડિંગ કમિટીના એવો બચાવ કર્યો હતો કે, મેયર મંજુરી લઈને સરકારી કારમાં મહાકુંભમાં ભાગ લેવા પ્રયાગરાજ ગયા છે. તેમની પાસેથી નિયમ મુજબ પ્રતિ કિલોમીટર બે રૂપિયા ભાડુ વસુલવામાં આવશે.
રાજકોટના મેયર નયનાબેનનો કુંભ પ્રવાસથી વિવાદ સર્જાયો છે. સરકારી કારમાં રાજકોટના મેયરે પ્રયાગરાજ મહાકુંભનો પ્રવાસ કર્યો છે. મેયરના પતિ, ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ સહિતના 6 સહેલીઓ સાથે પ્રવાસ પર ગયા છે. સરકારી કારમાં ખાનગી પ્રવાસ કરતા મેયર સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે રાજકોટ મ્યુનિ. દ્વારા સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલા મેયરના સરકારી કારમાં પ્રવાસના વિવાદ અંગે RMC સ્ટેન્ડિંગ કમિટિની ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતુ કે, પદાધિકારીઓને પ્રવાસ માટે સરકારી કારનો નિયત ચાર્જ વસુલ કરાશે. મેયર મ્યુનિની મંજૂરી મેળવીને રાજ્યની બહાર ગયા છે. સરકારી ગાડીના વપરાશ માટે કિલોમીટર દીઠ 2 રૂપિયા મેયરને મહાનગરપાલિકાને ચૂકવવાના રહે છે. સ્ટેન્ડીંગમાં ઠરાવ છે તે મુજબ ભાડું પણ ચૂકવવાનું રહે છે. કુંભ મેળામાં પ્રયાગરાજ ખાતે મેયર નયનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડા સુકાતા હોઈ તેવા ફોટો પણ સામે આવ્યા હતા. ત્યારે મેયરની ગાડી પર મહિલાઓના કપડાં સુકાવવા જયમીન ઠાકરે અયોગ્ય ગણાવ્યા હતા.
રાજકોટ શહેર કોંગ્રેસનાં પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, રાજકોટનાં મેયર પ્રજાનાં ખર્ચે માત્ર 2 રૂપિયા પ્રતિકિમી ચૂકવીને મહાકુંભનાં પ્રવાસે ગયા છે, જે ખરેખર યોગ્ય નથી. તેમાં પણ ગાડી ઉપર કપડાં સૂકવવા એ રાજકોટ શહેરની જનતાનું અને રાજકોટની ગરિમાનું અપમાન છે. શુ તેમને કપડાં સૂકવવા અન્ય કોઈ જગ્યા મળી નહીં ? બજારમાં ઓછામાં ઓછા 10 રૂપિયા પ્રતિ કિ.મી ભાવ ચાલે છે. જેની સામે માત્ર 2 રૂપિયા ચૂકવવા એ પ્રજાના રૂપિયાનો દુરુપયોગ છે. આવા નિયમો બતાવીને સ્ટેન્ડિંગ ચેરમેન મેયરનો આડકતરો બચાવ કરી રહ્યા હોય તેવું મારુ માનવું છે. મેયર પ્રજાના પૈસે તાગડધીના કરવાનું બંધ કરે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.