- અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બન્યો બનાવ,
- બાઈકચાલકે જાણી જોઈને કારને ટક્કર મારી,
- કારચાલકને ઝગડવામાં વ્યસ્ત રાખી અન્ય શખસોએ થેલાની ચોરી કરી
અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં બાઈક પર આવેલા બે શખસોએ જાણી જોઈને કાર સાથે બાઈકની સામાન્ય ટક્કર મારીને કારચાલક સાથે માથાકૂટ કરી હતી. કારચાલકને ઝઘડામાં વ્યસ્ત રાખીને અન્ય શખસ કારની સીટ પર મુકેલો રૂપિયા 2.50 લાખ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. કારચાલકને રૂપિયા ભરેલા થેલાની ચોરી થયાની જાણ થાય તે પહેલા બાઈકસવાર શખશો પણ નાસી ગયા હતા. આ બનાવની નારણપુરા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના સાબરમતીના રહેવાસી ફરિયાદી અલ્પેશભાઈ સુખડીયા, જે નવરંગપુરા ખાતે ‘કેપિટલ ટ્રાવેલ્સ’ની ઓફિસ ધરાવે છે, તેઓ ગત 6 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 6.30 વાગ્યે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ નારણપુરા ફાટક પાસે કપિલકુંજ સોસાયટીના ગેટ નંબર 1 સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પલ્સર જેવી મોટરસાયકલ પર આવેલા બે શખસોએ તેમની કારના પાછળના ભાગે જાણી જોઈને સામાન્ય ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ તરત જ આ બંને ઈસમોએ કારના કાચ પર જોરથી હાથ પછાડીને અલ્પેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરવાનું નાટક શરૂ કર્યું હતું. બોલાચાલી દરમિયાન જ્યારે ફરિયાદી અલ્પેશભાઈએ કારનો ડાબી બાજુનો કાચ ખોલ્યો, તે જ સમયે મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખસે તેમની નજર ચૂકવીને ચપળતાથી કારની આગળની સીટ પર મૂકેલો કાળા કલરનો થેલો ચોરી લીધો હતો. થેલો ચોરી થયા બાદ બંને ચોર શખ્સો તરત જ પોતાની મોટરસાયકલ લઈને ઉસ્માનપુરા રેલવે ક્રોસિંગ તરફ ભાગી ગયા હતા. ચોરાયેલા થેલામાં રૂપિયા 2,50,000 રોકડા, ICICI બેંકની ઓરીજનલ ચેક બુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ, તેમજ ઓફિસની ચાવીઓ જેવી કિંમતી વસ્તુઓ હતી. અલ્પેશભાઈએ ચોરોને પકડવા બૂમાબૂમ કરી હતી, પરંતુ તેઓ પકડાયા નહોતા. તેમણે પોલીસને આપેલા વર્ણન મુજબ, ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે કાળું જેકેટ, વાદળી જીન્સ પહેર્યું હતું અને મોઢા પર કાળું મફલર બાંધેલું હતું. આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


