સુરત,17 ઓક્ટોબર, 2026 : A holding area has been prepared at Udhna railway station દિવાળીના તહેવારોના આગમનને 20 દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા ઉત્તર પ્રદેશ અને બિહારના લાખો શ્રમિકો પોતાના માદરે વતન જવાની તૈયારીઓ કરી રહ્યા છે. દર વર્ષે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી ટાણે વતન જવા માટે પરપ્રાંતના પ્રવાસીઓની ભારે ભીડ જામતી હોય છે. બે કિમીની લાઈનો લગાવીને પ્રવાસીઓ ટ્રેનની રાહમાં રેલવે સ્ટેશન પર જ પડ્યા રહેતા હોય છે. ત્યારે આવા પ્રવાસીઓની સુવિધા માટે ઉધના રેલવે સ્ટેશન પર 15000 પ્રવાસીઓ બેસી શકે એવો હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે.
દિવાળી અને છઠ પૂજા માટે સુરતથી વતન જતા પરપ્રાંતીય પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉધના રેલવે સ્ટેશન પર મોટો હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. ગત વર્ષે ઉધના રેલવે સ્ટેશન પર સર્જાયેલી અફરાતફરી અને ભારે ધસારામાંથી બોધપાઠ લઈ રેલવે તંત્ર દ્વારા આ વર્ષે આગોતરું આયોજન કરાયુ છે. ઉધના સ્ટેશનના પૂર્વ ભાગમાં અડધો કિલોમીટર લાંબો અને 36 મીટર પહોળો સૌથી મોટો વિશાળ યાત્રી સુવિધા કેન્દ્ર એટલે કે હોલ્ડિંગ એરિયા તૈયાર કરી દેવામાં આવ્યો છે.
ઉધના સ્ટેશનેથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા તરફ જતી ટ્રેનોમાં પ્રવાસીઓનો પ્રચંડ ઘસારો રહે છે. આ ભીડને નિયંત્રિત કરવા નવા તૈયાર કરાયેલા હોલ્ડિંગ એરિયામાં એકસાથે 15,000 પ્રવાસીઓ આરામથી બેસી શકે તેવી ક્ષમતા છે. સમગ્ર વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવા આ પરિસરને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રી-ટિકિટિંગ એરિયામાં પ્રવાસીઓના પ્રવેશ અને પ્રારંભિક રાહ જોવા માટેની જગ્યા. ટિકિટિંગ એરિયામાં ટિકિટ મેળવવાની સુવ્યવસ્થિત કતાર વ્યવસ્થા અને પોસ્ટ-ટિકિટિંગ એરિયામાં ટિકિટ લીધા બાદ ટ્રેનના સમય સુધી રોકાવા માટેનો આરામદાયક એરિયા છે.
ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે સમગ્ર પરિસર આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યુ છે. ભીડના પળેપળના રિયલ-ટાઇમ મોનિટરિંગ માટે વરિષ્ઠ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ એક સ્પેશિયલ ‘વોર રૂમ’ શરૂ કરાયો છે. પરિસરમાં 70 જેટલા હાઇ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રેનની અપડેટ્સ માટે ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન અને સ્પષ્ટ સૂચનાઓ માટે આશરે 150 સ્પીકર્સ ધરાવતી પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત કરાઈ છે. પ્રવાસીઓને લાંબી લાઈનોમાં ન ઊભા રહેવું પડે તે માટે કુલ 10 ટિકિટ વિન્ડો ખોલવામાં આવી છે, જેમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ ડેડિકેટેડ કાઉન્ટરનો સમાવેશ થાય છે.
પ્રવાસીઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર નેટવર્ક પર 1,800થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ દોડાવવાની જાહેરાત કરાઈ છે, જે પૈકી એકલા સુરત-ઉધના વિસ્તારમાંથી જ યુપી-બિહાર તરફ માટે 250થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે.


