અમદાવાદ, 17 ઓક્ટોબર, 2026 : Activa dragged for a kilometer after being hit by a car શહેરમાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવને લીધે અકસ્માતનો બનાવો વધતા જાય છે. ખાસ કરીને રાતના સમયે નશામાં ઘૂત થઈને પૂર ઝડપે દોડાવાતા વાહનચાલકો સામે કડક પગલાં લેવાની માગ ઊઠી છે ત્યારે શહેરના ડ્રાઈવ-ઈન રોડ પર નશામાં ઘૂત કારચાલકે એક્ટિવાને એક કિલો મીટર સુધી ઢસડ્યુ હતું. સ્થાનિક લોકોએ કારચાલકનો પીછો કરીને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવમાં સદનસિબે એક્ટિવાચાલક બચી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર હિમાલયા મોલ ત્રણ રસ્તા પાસે સિગ્નલ પર ઊભેલા એક્ટિવા સવાર યુવકને ટક્કર મારી ઈનોવાકારચાલકે કાર રોકવાને બદલે એક્ટિવાને કાર નીચે ફસાવીને પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. કાર નીચે ફસાયેલું એક્ટિવા આશરે એક કિલોમીટર સુધી ઢસડાતાં રસ્તા પર તણખલા ઊડતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ કાર ચાલકનો પીછો કરીને ઝડપી લઈને પોલીસને સોંપ્યો હતો. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાસણા વિસ્તારમાં રહેતો 21 વર્ષીય નક્ષત્ર રાહુલ ચૌહાણ પેલેડિયમ મોલ સામે આવેલા સ્ટોલ પર સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગત 15 ઓક્ટોબરની રાત્રે તે પોતાનું એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન ડ્રાઇવ-ઇન રોડ પર હિમાલયા મોલ ત્રણ રસ્તા પાસે આવેલા સિગ્નલ પર તે ઊભો હતો. ત્યારે વડોદરા પાસિંગની ઇનોવા કાર પૂરપાટ ઝડપે આવી હતી અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં નક્ષત્ર રસ્તા પર પટકાયો હતો, જેથી તેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસમાત બાદ કારચાલકે કાર રોકવાને બદલે કાર હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક્ટિવા કારના આગળના ભાગે ફસાઈ ગયું હતું. તેમ છતાં ચાલકે કાર રોકી નહોતી અને એક્ટિવાને રસ્તા પર ઢસડતો આગળ વધતો રહ્યો હતો. કાર નીચે ઘસડાતાં એક્ટિવામાંથી રસ્તા પર તણખલા ઊડતા જોવા મળ્યા હતા. આ દૃશ્ય જોઈને આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો પણ ચોંકી ઊઠ્યા હતા.
કારચાલક એક્ટિવાને કાર નીચે ઢસડતો વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલ પાસેથી યુ-ટર્ન લઈને દૂરદર્શન ચાર રસ્તા થઈ એન.એફ.ડી. સર્કલ તરફ ભાગ્યો હતો. આ દરમિયાન રસ્તા પરના કટ પાસે આવેલા બમ્પ પરથી પસાર થતાં એક્ટિવા કારની નીચેથી છૂટું પડી ગયું હતું. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ કારનો પીછો ચાલુ રાખ્યો હતો. કારચાલક વસ્ત્રાપુર તળાવ પાસે પહોંચતાં લોકોએ તેને ઘેરી લીધો હતો અને પકડી પાડ્યો હતો. ત્યારબાદ કારચાલકને પોલીસના હવાલે કર્યો હતો. કારચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.


