
લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં પ્રયાગરાજ-અયોધ્યા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી મોટરકાર એક ઘરમાં ઘુસી ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘરમાં સૂઈ ગયેલા દંપતિને પણ આ અકસ્માતમાં ઈજા થઈ હતી.
મળતી માહિતી મુજબ, વાગ્યે કોતવાલી દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂપિયામાઉ આઉટપોસ્ટ વિસ્તારમાં પ્રયાગરાજ-અયોધ્યા હાઇવે પર બાબુરાહા વળાંક પાસેથી પૂરઝડપે કાર પસાર થઈ રહી હતી. કારમાં મુસાફરી કરી રહેલા બધા ભક્તો પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી કાર અચાનક કાબુ ગુમાવી અને એક ઘરમાં ઘૂસી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થાનિકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે પોલીસ અને ગ્રામજનોને ભક્તોને કારમાંથી બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. બધા ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મોટરકારમાં સાત વ્યક્તિઓ મુસાફરી કરતા હતા. તે બધા બિહાર-ઝારખંડના રહેવાસી હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે કારમાં સવાર ત્રણ લોકો અને ઘરમાં સૂતા એક દંપતી સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘવાયેલા પાંચેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
આ દૂર્ઘટનામાં રાજુ સિંહ (ઉ.વ. 25), અભિષેક કુમાર સિંહ (ઉ.વ. 24), વિનોદ (ઉ.વ. 26) અને કારનો ચાલક અભિષેક ઓઝા (ઉ.વ. 30)નું મોત થયું હતું. જ્યારે રોહિત કુમાર સિંહ (ઉ.વ. 24) આકાશ રવિન્દ્ર પ્રસાદ (ઉ.વ. 35) અને રૂપેશ ભુપેશ શર્માને ગંભીર ઈજા થઈ હતી.