
- શિકારની શોધમાં આવેલું દીપડાનું બચ્ચું કૂવામાં ખાબક્યું હતું,
- વન વિભાગે ખાટલો કૂવામાં ઉતારીને સફળતાપૂર્વક દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કર્યુ,
- દીપડાના બચ્ચાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લવાયુ
ઊનાઃ તાલુકાના સૈયદ રાજપરા ગામે સીમ વિસ્તારના એક ખેતરના ખુલ્લા કૂવામાં શિકારની શોધમાં આવેલું દીપડાનું બચ્ચું ખાબક્યું હતું. આ બનાવની ખેડૂતને જાણ થતાં તેણે વનમિત્રને જાણ કરી હતી. અને વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. દીપડાના બચ્ચાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યુ હતુ.
આ બનાવની વિગતો એવી છે કે, ઊના અને ગીર ગઢડા પંથકમાં દીપડાની આવનજાવનમાં વધારો થયો છે. ત્યારે સૈયદ રાજપરા ગામે બાબુભાઈ રાઠોડના ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં 5 થી 7 મહિનાની ઉંમરનું દીપડાનું બચ્ચું શિકારની શોધમાં ખાબક્યું હતું. આ ઘટનાની જાણ ખેતરના માલિકને થતાં તેમણે ગામના વન મિત્ર રમેશ રાઠોડને જાણ કરી હતી. રમેશ રાઠોડ સહિતના વન મિત્રો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે લોખંડના ખાટલાના ચારેય ખૂણે દોરડાં બાંધીને તેને કૂવામાં ઉતાર્યો હતો. દીપડાનું બચ્ચું ખાટલામાં બેસી જતા તેને બહાર કઢાયુ હતુ. અને થોડા સમય બાદ જસાધાર વન વિભાગનો સ્ટાફ પાંજરું લઈને રેસ્ક્યુ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વન વિભાગે દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બચાવીને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયુ હતુ. ત્યાં તબીબી સારવાર બાદ બચ્ચું સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેને જંગલમાં મુક્ત કરવામાં આવશે.