
- ટ્રક સહિત માલસામાન બળીને ખાક
- ભીષણ આગને લીધે મેજર કોલ અપાયો, કલોલ
- કડી માણસા મહેસાણા, ગાંધીનગર અને કલોલની ફાયરટીમો ઘટના સ્થળે પહોંચી
ગાંધીનગરઃ કલોલ તાલુકાના છત્રાલ GIDCના ફેઝ-2માં આવેલા પ્લાસ્ટિક ભંગારના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગની ગંભીરતાને જોતાં તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કલોલ, કડી, માણસા, મહેસાણા, ગાંધીનગર અને કલોલ ONGCની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રાખેલા પ્લાસ્ટિક બેગ, બેરલ અને એક મિની ટ્રક સહિતનો તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આગના મોટા જ્વાળાઓ આકાશમાં ઊંચે સુધી પહોંચતા દૂર-દૂરથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે એકત્ર થયા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે, કે, કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીના ફેઝ-નંબર-2માં આવેલા એક પ્લાસ્ટિકના ભંગારના ગોદામમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ કલોલ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ કાબુમાં ન આવતા મેજર કોલ આપવામાં આવ્યો હતો તેથી , કડી, માણસા, મહેસાણા, ગાંધીનગર અને કલોલ ONGCની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રાખેલા પ્લાસ્ટિક બેગ, બેરલ અને એક મિની ટ્રક સહિતનો તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો
કલોલ તાલુકા પોલીસને પણ આગ લાગ્યાની ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ગંભીર અગ્નિકાંડમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી અને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.