- મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી ત્યારે બન્યો બનાવ,
- કારખાનામાં નવા શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે,
- પોલીસે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો
રાજકોટઃ શહેરના આજી ડેમ નજીક રામવન પાસે આવેલી સુરભી ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીવાલ પાસે બેસીને એક મહિલા તેના બાળકને સ્તનપાન કરાવી રહી હતી. ત્યારે એકાએક દીવાલ ધસી પડતા મહિલા અને તેના બાળકનું મોત નિપજ્યુ હતું. આ બનાવથી મહિલાના પરિવારમાં ભારે ગનગીની વ્યાપી ગઈ હતી. આ બનાવમાં પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી તે સમયે ટ્રેક્ટર ચાલકે રેતી ઠલવી રહ્યો હતો તે દરમિયાન માતા-પુત્ર પર દીવાલ પડતાં બન્નેના મોત થયા હતા. પોલીસે કોન્ટ્રાક્ટર અને ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરી ધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના આજી ડેમ વિસ્તારમાં રામવન પાસે આવેલી સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના નવા બનતા શેડના કામ વેળાએ દીવાલ માથે પડતા સીમાબેન સંજયભાઇ (ઉ.વ.21) અને તેના એક વર્ષના પુત્ર સાર્થકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તેમજ આજી ડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરમિયાન પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા મૂળ મધ્યપ્રદેશના અને હાલ કેટલાક સમયથી રાજકોટમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની સીમાબેન તેના પુત્રને સાથે લઇ કામ કરતા હોય તે દરમિયાન આ બનાવ બન્યાનું તેના પરિવારે જણાવ્યું હતું.
આજી ડેમ પાસેના સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના શેડના નવા બંધાતા બાંધકામના કામ વેળાએ દીવાલ માથે પડતા માતા અને તેના બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મ્યુનિના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, શેડના બાંધકામનું પ્લાન કમ્પ્લીશન બાદ વધારાનું કામ ચાલતું હતું અને આ બનાવ બન્યો છે. જેથી કોન્ટ્રાક્ટર સહિતના સામે ગુનો નોંધવા રજૂઆત કરી હતી.