- રાજકોટના પ્રાણી સંગ્રહાલયે વડોદરાને સફેદ વાઘની જોડી ભેટ આપી
- વડોદરા ઝૂએ રાજકોટને મકાઉ અને એમેઝોન પેરોટ સહિત પક્ષીઓ આપ્યા
- વડોદરામાં 15 દિવસ બાદ સફેદ વાઘ – વાઘણની જોડીને પ્રવાસીઓ નિહાળી શકશે
વડોદરાઃ રાજકોટના પ્રદ્યુમનપાર્ક પ્રાણી સંગ્રહાલય દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા કમાટીબાગ પ્રાણી સંગ્રહાયલને સફેદ વાઘ-વાઘણની જોડી ભેટ આપવામાં આવી છે. કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી 15 દિવસ બાદ સફેદ વાઘ અને વાઘણની જોડીને લોકો નિહાળી શકશે.
આ અંગે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર ડો પ્રત્યુષ પાટનકરે જણાવ્યું હતું કે, વડોદરા ઝૂમાં અંદાજિત ચાર દાયકા બાદ વ્હાઈટ ટાઈગર (સફેદ વાઘ)નું પુનરાગમન થયું છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે ઘણા સમયથી પ્રયાસો કરતા હતા. અમારા સઘન પ્રયાસો લીધે સફળતા મળી છે. સફેદ વાઘ થોડી દુર્લભ પ્રજાતિ હોવાથી તે સરળતાથી મળે એવું હતું નહીં અને રાજકોટ ઝૂ પાસે જ્યારે બ્રીડિંગ થઈ અને એમની પાસે સ્પેર થવા જેવા જાનવર થયા ત્યારે રાજકોટ ઝૂ પાસેથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિદેશી પક્ષીઓ જેવા કે મકાઉ, રીંગ-નેક ફેઝન્ટ, એમેઝોન પેરોટ, એલેક્ટસ પેરોટ, બ્લેક સ્વાન અને કોકાટુ એવા પક્ષીઓની જોડીઓ રાજકોટ ઝૂને આપીને સામે સફેદ વાઘની આ જોડી મેળવી છે.
કમાટીબાગ ઝૂના ક્યુરેટરે ઉમેર્યુ હતું કે, આ સમગ્ર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં વીએમસીના તમામ ઉપરી અધિકારીઓ, કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સંપૂર્ણ તંત્રનો બહુ જ સારો સપોર્ટ મળ્યો હતો. અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની સમયસર મંજૂરી પણ મળી ગઈ અને તેના લીધે જ સફેદ વાઘની જોડી વડોદરા ઝૂમાં લાવવામાં સફળતા મળી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ હાલ ટાઈગર્સ ક્વોરન્ટીનમાં છે. ક્વોરન્ટીન પીરિયડ મિનિમમ 15 થી 45 દિવસનો હોય છે. આમાં જેટલા વહેલા જાનવર નવા વાતાવરણ સાથે એક્લેમેટાઈઝ થશે એટલા વહેલા એટલે કે 15 દિવસ બાદ જાહેર જનતા માટે આ પ્રાણીઓ જોવા ખુલ્લા મુકવામાં આવશે.


