
- સુરતના માંગરોળ નજીક વાલેચા ગામ પાસે મોડી રાતે અકસ્માત સર્જાયો
- સાત મુસાફરોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
- અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
સુરતઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ જિલ્લાના માંગરોળના વાલેચા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે સર્જાયો હતો. સૌરાષ્ટ્રથી સુરત રૂટ પર જતી બે લક્ઝરી બસ અને એક ડમ્પર વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં 7 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાલેચા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર બે લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા 7 પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમાં એક લક્ઝરી બસના ડ્રાઈવરને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. કોસંબા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. પૂરફાટ ઝડપે દોડતા વાહનો ઓવરટેક કરવા જતા અકસ્માતના બનાવો બની રહ્યા છે.