
ભાજપના સાંસદે ગાંધી પરિવાર વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ફરિયાદ નોંધવા કોંગ્રેસે કરી માગ
- સાંસદ રાધામોહન અગ્રવાલે ‘ફરજી ગાંધી પરિવાર’ તરીકે ટીપ્પણી કરી હતી
- સુરતમાં કોંગ્રેસે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધવા આપી અરજી
- કૂંભસ્નાન માટે ગાંધી પરિવારનું નામ લઈ હિંદુ ધર્મની આસ્થાની પણ મજાક ઉડાવી છે.
સુરતઃ રાજકીય નેતાઓ ઘણીવાર વિવાદાસ્પદ વાણી વિલાસ કરીને વિવાદ સર્જતા હોય છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાધામોહનદાસ અગ્રવાલના એક વિવાદાસ્પદ નિવેદનને કોંગ્રેસ આક્રમક બની છે. સાંસદ રાધામોહનદાસ અગ્રવાલે ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે ‘ફરજી ગાંધી પરિવાર’ તરીકે ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસે તેમના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવા સુરત શહેર પોલીસ કમિશનર સમક્ષ માગણી કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, ગઈ તા. 14 ફેબ્રુઆરી 2025ના રોજ ભાજપના રાજ્યસભા સાંસદ રાધામોહનદાસ અગ્રવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે કેટલાક વિવાદિત નિવેદનો આપ્યા હતા. તેમણે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા છે. પણ તેઓએ એટલા પાપ કર્યા છે કે માતા ગંગાની પણ એક સીમા છે. તેઓ ગંગા અને યમુનામાં પાપ ધોઈને મહાકુંભમાંથી પાછા આવશે, પણ ફરી પાછા આવીને પાપ કરશે. તેમની આદત જ પાપ કરવાની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, માત્ર ‘ગાંધી’ નામ રાખવાથી કોઈ ગાંધી બની શકાતું નથી. હું આ પરિવારને ‘ફરજી ગાંધી પરિવાર’ કહેવા માંગુ છું. આ નિવેદન બાદ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સાંસદે ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જાહેરમાં બદનક્ષી કરી છે.
આ મામલે શહેર કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટે સુરત પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે રાધામોહનદાસ અગ્રવાલે કોંગ્રેસ નેતાઓની જાહેર બદનક્ષી કરી છે અને હિંદુ ધર્મની આસ્થાની પણ મજાક ઉડાવી છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ભાજપ સાંસદ સામે IPC BNS-2023 મુજબ ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ.