સુરત,12 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં અન્ય મહાનગરો કરતા સુરતમાં રખડતા કૂતરાઓ કરડવાના બનાવો સૌથી વધુ બની રહ્યા છે. શેરીઓમાં રખડતા કૂતરાઓ ખાસ કરીને નાના બાળકો પર હુમલા કરી રહ્યા છે. શહેરમાં રખડતાં કૂતરાંનો કહેર અટકવાનું નામ નથી લેતું. ત્યારે શહેરના ઊન વિસ્તારમાં ફરી એકવાર કૂતરાના હુમલામાં બે વર્ષીય માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટનાનાં દૃશ્યો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયાં છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં અયાત નામની 2 વર્ષીય બાળકી તેના પરિવાર સાથે રહે છે. અયાતના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે જ્યારે અયાત પોતાની સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી ત્યારે અચાનક આ ઘટના બની હતી. બાળકી રમતાં-રમતાં ગેટની થોડી બહાર નીકળી કે તરત જ ત્રણ જેટલાં રખડતાં કૂતરાએ હુમલો કર્યો હતો. બાળકી કંઈ સમજે એ પહેલાં જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથળના ભાગે બચકું ભરી લીધું હતું. બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવતાં કૂતરાં ત્યાંથી ભાગી ગયાં હતાં. લોકો બાળકીને તાત્કાલિક તેના પરિવાર પાસે લઈ ગયા હતા. ગભરાયેલા પરિવારે સમય સૂચકતા વાપરી બાળકીને નજીકની હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને હડકવાવિરોધી રસી આપી પ્રાથમિક સારવાર કરી હતી. સદનસીબે બાળકીની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરમાં વધુ એક વખત રખડતા કૂતરાનો આતંક જોવા મળ્યો છે. વાલક પાટિયા ખાતે ચારથી પાંચ જેટલાં શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. ઘર પાસે જ રમી રહેલા બાળક પર કૂતરા તૂટી પડ્યાં હતાં અને શરીરનાં જુદાં જુદાં અંગોમાં બચકાં ભર્યાં હતાં.


