રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમમાં હવે એક મહિનો ચાલે તેટલું જ પાણી
- મ્યુનિ.કોર્પોરેશને ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા સરકારને રજુઆત કરી,
- રાજકોટ માટે નર્મદા યોજના જીવાદોરી સમાન બની,
- દર વર્ષે સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી બેવાર બન્ને ડેમો ભરવામાં આવે છે
રાજકોટઃ ગત ચોમાસામાં છલોછલ ભરાયેલા શહેરના આજી અને ન્યારી ડેમમાં 15 જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી છે. એટલે શિયાળામાં શહેરને પાણી પુરૂ પાડતા જળોશયોના તળિયા દેખાવા લાગ્યા છે. એટલે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના હેઠળ બન્ને જળાશયોમાં નર્મદાના નીર ઠલાવવા માગણી કરવામાં આવી છે. સામાન્ય રીતે દરવર્ષે 2600 MCFT પાણીની માંગ કરવામાં આવે છે. પરંતુ એપ્રિલ-મેં મહિનામાં નર્મદા નહેર સમારકામ માટે બંધ કરવામાં આવનાર હોય આ વર્ષે 3150 MCFT નીર આપવા માંગ કરવામાં આવી છે.
રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતો આજીડેમ ગત ચોમાસામાં ઓવરફ્લો થયો હતો. જ્યારે, ન્યારી ડેમ ઓવરફલો થયો નથી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો પડતાં આજી અને ન્યારી ડેમ 2026ના વર્ષના પ્રારંભમાં જ પાણી માટે આગોતરૂં આયોજન કરવાની ફરજ પડી છે. જેને લઈને રાજ્ય સરકાર પાસેથી સૌની યોજના હેઠળ 3150 MCFT નર્મદાનીર આપવાની માગ કરવામાં આવી છે. હાલની સ્થિતિએ આજી-1માં હાલમાં 862.56 ફૂટ પાણી છે. જ્યારે ન્યારી-1 ડેમમાં 995.09 ફૂટ પાણી ઉપલબ્ધ છે. જેમાં આજી ડેમમાંથી દરરોજ 145 MLD અને ન્યારી ડેમમાંથી 225 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. બન્ને ડેમમાં હાલમાં રહેલો પાણીનો જથ્થો 15 જાન્યુઆરી સુધી જ ચાલે તેમ છે. આગોતરા આયોજનરૂપે તા.15 જાન્યુઆરી બાદ બે તબક્કામાં સૌની યોજના હેઠળ 3150 એમસીએફટી નર્મદાનીર માંગવા માટે મ્યુનિ.કોર્પોરેશને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.
આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતાં આજી અને ન્યારી ડેમ દરવર્ષે ચોમાસામાં ઓવરફલો થઈ જતાં હોવા છતાં શહેરના વધતાં જતાં વિકાસ અને વિસ્તારની સાથે પાણીની ડિમાંન્ડ પણ વધતાં આ બન્ને જળાશયો રકાબી જેવા સાબિત થઈ રહ્યા છે. પરિણામે મ્યુનિને દરવર્ષે બે વાર સૌની યોજના હેઠળ નર્મદા નીર લેવા પડે છે. મ્યુનિ. દ્વારા આગોતરૂં આયોજન કરવા માટે દરવર્ષે બે વખત સરકારને પત્ર પાઠવીને નર્મદાનીરની માંગ કરવામાં આવે છે. જેમાં ઉનાળાની શરૂઆત પૂર્વે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને ત્યારબાદ જૂલાઈ માસના અંતમાં રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના હેઠળ નર્મદાનીરની માંગ કરવામાં આવે છે. જોકે આ વર્ષે વરસાદ ઓછો હોવાથી પાણીની જરૂર વહેલી પડે તેમ છે. આ કારણે મ્યુનિ. દ્વારા રાજ્ય સરકારને પત્ર લખાયો છે.


