
જામનગરઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-ખંભાળિયા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક ગાગવા પાસે ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરોમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કોફલો દોડી ગયો હતો,
આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં એક બોલેરો પીકપ વેનને પાછળથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો જીપની અંદર બેઠેલા મોટી ખાવડી ગામના જીતેન્દ્ર નાથાભાઈ નામના 36 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેની સાથે બોલેરોમાં બેઠેલા દીપક ચંદુભાઈ તેમજ રાહુલભાઈભાઈ ચંદ્રવડીયા નામના બંને યુવાનોને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયો હતો. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થા પણ પૂર્વવત કરવામાં આવી હતી.