
- વૃદ્ધને માર મારવાના બનાવના વિરોધમાં પાટિદારો એકઠા થયા હતા,
- પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યોઃ રબારી સમાજ,
- પાટિદારોની જેમ હવે રબારી સમાજ પણ એકત્ર થશે
ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં તાજેતરમાં અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. આ બનાવને પગલે પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો, આ બનાવ બાદ સુરતમાં બે હજાર પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી, પાટિદાર યુવાનોએ સુરતથી 100 કાર સાથે કાળાતળાવ ગામ જઈને જંગી સભા યોજી હતી. અને જિલ્લા એસપીને રજુઆત કર્યા બાદ આરોપી રાજુ ઉલવાની પોલીસે ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હવે આ મામલે રબારી સમાજ મેદાને આવ્યો છે.
વિહોતર ગ્રુપે રબારી સમાજને હાકલ કરતાં કહ્યું હતું કે પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી સાથે કાળાતળાવ આવી શકતો હોય તો આપણે તો સ્થાનિક છીએ, કમસે કમ 500 ગાડી તો ભેગી થવી જ જોઈએ. રાજકારણમાં જોડાયેલા પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી પાછળથી સમાજના યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યો છે. રબારી સમાજે જાગવું પડશે. આ કેસ પાછો નહીં ખેંચાઈ તો રબારી સમાજ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડશે તો ભૂખહડતાળ પર પણ ઊતરશે. આમ પાટિદારો સામે રબારી સમાજે બાંયો ચડાવી છે.
આ અંગે વિહોતર ગ્રુપ ગુજરાતના ઉપાધ્યક્ષ ગોકુળભાઈ કરમટિયાએ જણાવ્યું, પાટીદાર સમાજે મુદ્દાને ચગાવ્યો કે વૃદ્ધને માર્યા અને પાછળથી પણ યુવક વિરુદ્ધમાં લૂંટનો ગુનો દાખલ કરાવ્યો, કેમ કે પાટીદાર સમાજના આગેવાનોએ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી, ઉપરથી દબાણ કરાવ્યું અને પાછળથી ત્રીજા દિવસે લૂંટનો ગુનો દાખલ કરાવ્યો એ બાબતે સમાજ ચર્ચા કરાશે. આ બાબતે ભાવનગરના “રબારી સમાજે જાગવું પડશે. એક થવું પડશે. સમાજને એક થઈ ન્યાય માટે લડવું પડશે, દોડવું પડશે અને ખર્ચાવું પડશે.