
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘જુના ઈન-ડોર બ્લોક વોર્ડ, બ્લોક Aથી D અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી તેની જગ્યાએ નવીન ઓપીડી, 900 બેડની નવીન જનરલ હોસ્પિટલ, 500 બેડની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના) દર્દીઓ માટે હોસ્પિટલ બાંધવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે આશરે કુલ રૂ.588 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં અત્યારસુધીમાં છેલ્લા ચાર વર્ષમાં તબક્કાવાર કુલ રૂ. 236.50 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 2018થી વધુ ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણાધીન છે.’
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજીત રૂ. 588 કરોડના ખર્ચે 2018થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ તૈયાર કરાશે. અંદાજીત દસ માળની આ નિર્માણાધીન હોસ્પિટલમાં 555 ફોર વ્હીલર્સ અને 1000 ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ, ચેપી રોગની અલાયદી ઓપીડી, ઓપરેશન થીયેટરની સુવિધા મળશે. આ સાથે 15 બેડ ટી.બી ICU બેડ, 300 ICU બેડ પૈકી ચેપી રોગના 32 ICU, 60 આઇસોલેશન રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે.
આ હોસ્પિટલમાં વિવિધ ગંભીર રોગની સારવારને લઈને આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘હોસ્પિટલમાં ન્યુમોનીયા, સેપ્શીસ, સ્થાનિક અને કોલેરા, એચ.આઇ.વી., ટાઇફોઇડ, ઝેરી કમળાના ટાઇપ એ અને ઇ, ઇન્ફ્લુએન્ઝા (સ્વાઇન ફ્લુ), હડકવા, કોવીડ-19, જાપાનીઝ એન્સેફેલાઇટીસ, ટ્યુબર ક્લોસીસ જેવી સ્થાનિક કે વૈશ્વિક મહામારીઓ, કોંગો ફીવર, ઇબોલા, ઝીકા વાયરસ, યલો ફીવર જેવા અતિ ગંભીર ચેપી રોગો, કૃમિ, વેકટર બોર્ન રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા પેરાસાઇટીક ઇન્ફેકશન, ફંગસ જેવા કે મ્યુકોરમાઇકોસીસ, એસ્પરઝીલોસીસ, હીસ્ટોપ્લાઝમોડીયા, મલ્ટીપલ ડ્રગ રેસીસ્ટન્સ વાળા દર્દીઓને બેક્ટેરિયા અને વાઈરસથી થતાં વિવિધ ચેપી રોગોની સારવાર મળી રહેશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ મેડિસીટીના માસ્ટર પ્લાન તથા બજેટમાં મંજૂર થયેલા કામો પૈકી અત્યારસુધીમાં કુલ રૂ. 2590 કરોડના 35 કામો પૂર્ણ થયા છે. તેમજ રૂ. 131 કરોડના 3 કામો પ્રગતિ હેઠળ છે અને રૂ. 739 કરોડના કામો શરૂ કરાશે. આમ સિવિલ મેડિસીટી ડેવલપમનેન્ટમાં અત્યારસુધીમાં કુલ રૂ.3460 કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.