
ગાંધીનગરઃ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના બાકરોલમાં રૂ. 64.29 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી 370 કેદી ક્ષમતા વાળી નવી જેલને આણંદ જિલ્લા જેલની મંજૂરી આપવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. જ્યારે હવે બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીન ખાતે આ નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદીઓ અને 40 મહિલા કેદીઓ માટે ક્ષમતા રહેશે. જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે.
આ જેલના બાંધકામ માટે રૂ. 64.29 કરોડને ખર્ચ કરાશે. જ્યારે આગામી દિવસોમાં જેલનું બાંધકામ પૂર્ણ થવાની શક્યતા છે. આ નિર્ણય દ્વારા આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે. જેલમાં ઓવરક્રાઉડિંગની સમસ્યાને નિવારવા માટે નવી જેલના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આ નવી જેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આણંદ તાલુકા સબજેલ મામલતદારના હસ્તક કાર્યરત છે. નવી જિલ્લા જેલ શરૂ થવાથી આણંદમાં જિલ્લા કક્ષાની જેલ ઉપલબ્ધ થશે.
આણંદ જિલ્લાના જેલ તૈયાર થતાં નડિયાદ જિલ્લા જેલમાં રાખવામાં આવતા આણંદ જિલ્લાના આરોપીઓને જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરી શકાશે, જેના કારણે નડિયાદ જિલ્લા જેલની ઓવરક્રાઉડિંગની સમસ્યા પણ હળવી થશે. આણંદ જિલ્લા જેલમાં આણંદ જિલ્લાના સ્થાનિક કોર્ટના આરોપીઓને રાખવામાં આવશે. આનાથી કેદીઓના પરિવારજનો તેમની સાથે વધુ સરળતાથી મુલાકાત કરી શકશે અને પોતાના બાળકો સાથે પણ સંપર્ક જાળવી શકશે. આનાથી પરિવારજનોને આર્થિક રીતે ફાયદો થશે તેમજ બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું પણ સરળ બનશે.
આણંદ જિલ્લા જેલમાં સ્થાનિક આરોપીઓને રાખવામાં આવશે, જેના કારણે સંબંધિત કોર્ટમાં તેમને નિયમિત રજૂ કરી શકાશે. આનાથી કેસનો સમયસર કે વહેલી તકે નિકાલ થઈ શકશે. આ સાથે પોલીસ જાપ્તા અને પોલીસ વાહનોના ખર્ચમાં ઘટાડો થશે, જે સરકારના આર્થિક બોજને પણ હળવો કરશે.