- પશ્વિમ રેલવે દ્વારા 200 ખાસ ટ્રેનોનું સંચાલન કરાયુ,
- દિવાળી અને છઠના પૂજન માટે જતા પ્રવાસીઓમાં વધારો,
- અમદાવાદના ત્રણેય સ્ટેશનો પર વધારાના કાઉન્ટર ખોલાયા
અમદાવાદ: શહેર અને જિલ્લામાં વસવાટ કરતા બહારગામના લોકો છેલ્લા 5 દિવસથી દિવાળીના તહેવારોને લીધે પોતાના વતનમાં જઈ રહ્યા છે. શહેરમાં રોજગાર-ધંધા અંર્થે પરપ્રાંતના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને પરપ્રાંતના પરિવારો પણ દિવાળીના તહેવારો તેમજ છઠની પૂજા માટે પોતાના વતન જતા હોય છે. આવા પ્રવાસીઓના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા 22 સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા દિવાળી/છઠ પૂજાના તહેવારોના સમય દરમિયાન 200 વિશેષ ટ્રેનો તેમાંથી 22 ટ્રેનો અમદાવાદ ડિવિઝન દ્વારા વિવિધ સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે, વધારાની વિશેષ ટ્રેનોના સંચાલનની દેખરેખ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મંડળ અને હેડક્વાર્ટર સ્તરે કરવામાં આવી રહી છે. આ જ રીતે ટ્રેનોની વેઇટિંગ લિસ્ટનું પણ રીઅલ ટાઇમના આધારે દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે. પશ્ચિમ રેલવે મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે અને આ દિશામાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભીડ પર નજર રાખવા અને નિયંત્રણ કરવા માટે, અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને અસારવા જેવા ઉચ્ચ ટ્રાફિક સ્ટેશનો પર સ્ટાફની મહત્તમ તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર 6 નવેમ્બર 2024 સુધી કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડનું સંચાલન કરવા અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. ક્રાઉડ મેનેજમેન્ટ હેઠળ અમદાવાદ મંડળ દ્વારા વોર રૂમની રચના કરવામાં આવી છે. જ્યાં વરિષ્ઠ અધિકારીઓ 24 કલાક મોનીટરીંગ કરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પણ પ્લેટફોર્મ પર ભીડના સમયમાં ઉપલબ્ધ હોય છે. તબીબી કટોકટી માટે ડૉક્ટરની ટીમ અને એમ્બ્યુલન્સ જરૂરિયાતના હિસાબે સતર્ક કરવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વેએ આ સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનના યોગ્ય અમલીકરણ માટે અનેક સાવચેતીના પગલાં લીધા છે અને વિવિધ વિસ્તૃત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભીડ વ્યવસ્થાપનના અસરકારક અમલીકરણ માટે,અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. મુસાફરોની આરામદાયક પ્રતીક્ષા માટે તેમાં પંખા લગાવવામાં આવ્યા છે. આ વિસ્તાર પ્લેટફોર્મ પર રાહ જોઈ રહેલા મુસાફરોની સંખ્યામાં ઘટાડો કરશે અને મુસાફરો માટે સલામત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરીને ટ્રેનોમાં મુસાફરોને સરળતાથી પ્રવેશવાની મંજૂરી આપશે. દિવાળી/છઠ પૂજા દરમિયાન અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર વધારાની ભીડને ધ્યાનમાં રાખીને ત્રણેય શિફ્ટમાં વધારાના ટિકિટ કાઉન્ટર પણ ખોલવામાં આવ્યા છે.