1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PMJAYમાં ગેરરીતિ રોકવા માટે હવે AIની મદદ લેવાશે
PMJAYમાં ગેરરીતિ રોકવા માટે હવે AIની મદદ લેવાશે

PMJAYમાં ગેરરીતિ રોકવા માટે હવે AIની મદદ લેવાશે

0
Social Share

• ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે
• સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે 
• ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા કાર્ડ ધરાવતા દર્દીઓને બીનજરૂરી ઓપરેશન કે સારવાર કરીને લાખો રૂપિયાના બિલો સરકાર પાસેથી વસુલવામાં આવતા હતાં. જેમાં ખ્યાતિકાંડ બાદ ગુજરાતના આરોગ્ય વિભાગ સામે પણ આક્ષેપો થયા છે. હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો ઘડીભરમાં જ પકડાઈ જશે.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચાલતી PMJAY યોજના અને મા યોજના ગરીબ દર્દીઓ માટે છે. ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારી સારવાર મળી રહે તે માટે આ યોજના સારી છે, પણ કેટલીક ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ આ યોજનાને કમાણીનું સાધન બનાવી છે. ગરીબ દર્દીઓની સારવારના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરીને સરકાર પાસેથી નાણાં ખંખેરવામાં આવી રહ્યા છે. ખ્યાતિકાંડ બાદ આ બધી ય હકિકતો બહાર આવી છે. દર્દીઓને જરૂર ન હોય છતાંય બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાંખીને ખ્યાતિ હૉસ્પિટલના ડૉક્ટરો ધૂમ કમાણી કરી રહ્યા હતા. 4 હજારથી વધુ ઑપરેશન કરીને લાખો કરોડો રૂપિયા મેળવ્યા હતાં.

રાજ્યના આરોગ્ય વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં PMJAY યોજનાની કામગીરી મેન્યુઅલી થઈ રહી છે જેના કારણે ગેરરીતિ થવાનો અવકાશ છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડૉક્ટરો, હૉસ્પિટલ સંચાલકોની મિલીભગતથી આખુંય કૌભાંડ થયું છે ત્યારે હવે રાજ્ય આરોગ્ય વિભાગે નેશનલ હેલ્થ એજન્સી જેવું જ પોર્ટલ બનાવવા તૈયારી કરી છે. હવે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાનું નક્કી કરાયું છે જેથી ખોટા ડૉક્યુમેન્ટ હશે, અધૂરા ડૉક્યુમેન્ટ હશે અથવા અન્ય કોઈ પણ અનિમિયતતા જણાશે તો ઘડીભરમાં પકડાઈ જશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધીય કામગીરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે.

ગુજરાતમાં હાલ દર્દીની સારવારને લઈને કોઈ ફરિયાદ આધારે તપાસ કરાય છે. આ ઉપરાંત 104 હેલ્પલાઇન પર ફરિયાદ આવે તો પણ તપાસ કરવામાં આવે છે. દર્દીની સારવારનો ઇન્કાર કરાયો હોય, હૉસ્પિટલમાં દવા ઉપલબ્ધ ન હોય, દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોય છતાં પૈસા લેવાયા હોય. આ ઉપરાંત અન્ય મુદ્દે દેશભરમાંથી કુલ મળીને 18,184 ફરિયાદો મળી છે. આમ, ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગ PMJAY યોજના અંતર્ગત વિવિધ રોગની સારવારની અલાયદી માર્ગદર્શિકા પણ ઘડવા જઈ રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code