
અક્ષય કુમાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પસંદ કરાયેલી ફિલ્મો અંગે પત્ની ટ્વિન્કલે નારાજગી વ્યક્ત કરી
અક્ષય કુમાર બોલિવૂડનો સુપરસ્ટાર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેઓ ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મોમાં પણ દેખાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અક્ષયની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. આ વર્ષે રિલીઝ થયેલી અભિનેતાની ફિલ્મ “સ્કાય ફોર્સ” પણ ખાસ કંઈ કરી શકી નહીં. હવે અભિનેતાએ ખુલાસો કર્યો છે કે મારી ફિલ્મોને લઈને પત્ની ટ્વિંકલ ખન્ના પણ નારાજ ઈ છે, અને તેણીએ તેમની ફિલ્મોની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા છે.
બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પોતાના 30 વર્ષના કરિયરમાં એક્શનથી લઈને કોમેડી અને પછી દેશભક્તિની ફિલ્મો સુધીની ઘણી ફિલ્મો કરી છે. 2015 થી, અક્ષય કુમારે હોલિડે, બેબી, એરલિફ્ટ, ગોલ્ડ, મિશન મંગલ અને તેમની છેલ્લી રિલીઝ સ્કાય ફોર્સ સહિત અનેક દેશભક્તિની ફિલ્મો કરી છે. તાજેતરમાં એક કોન્ક્લેવમાં હાજર હતો અને ત્યાં તેણે દેશ, સ્વતંત્રતા સંગ્રામ અને દેશભક્તિના વિષયો પર આધારિત સતત ફિલ્મોના નિર્માણ અને અભિનયના પોતાના નિર્ણય વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. આ દરમિયાન અક્ષયે કહ્યું કે, “જ્યારથી મેં મારું પોતાનું પ્રોડક્શન, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ શરૂ કર્યું છે, ત્યારથી મેં મારા દેશ પર ઘણી ફિલ્મો બનાવી છે. જોકે મારી પત્ની પણ મને ચીડવે છે કે ‘તું દેશને કેટલી વાર બચાવીશ’.”
છેલ્લા કેટલાક વર્ષોથી કારકિર્દીના ખરાબ તબક્કાનો સામનો કરી રહેલા અક્ષયે 2025 ની શરૂઆત સારી રીતે કરી હતી. હકીકતમાં, તેમની છેલ્લી રિલીઝ સ્કાય ફોર્સને વિવેચકો અને દર્શકો બંને દ્વારા પ્રશંસા મળી હતી. સ્કાય ફોર્સ વર્ષની પહેલી 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને આમ કુમારના ખરાબ સમયનો તબક્કાનો અંત આવ્યાનું મનાઈ રહ્યું છે. તેમની આગામી ફિલ્મોમાં હવે કેસરી 2, જોલી એલએલબી 3 અને હાઉસફુલ 5નો સમાવેશ થાય છે.