 
                                    નવી દિલ્હીઃ અતિભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને હવે ગુરુવારના રોજ જમ્મુથી કાશ્મીર તરફ કોઈ યાત્રાધામ કાફલો રવાના થશે નહીં.અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સતર્કતા રૂપે યાત્રાળુઓના કાફલાને જમ્મુના ભગવતી નગરથી આગળ જવાની મંજૂરી આપવામાં નહીં આવે. જમ્મુના વિભાગીય કમિશનર રમેશકુમારે જણાવ્યું કે, “યાત્રા ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે બેઝ કેમ્પથી યાત્રાળુઓ માટે આગળનો રસ્તો સુરક્ષિત નથી. તેથી નિર્ણય લેવાયો છે કે 31 જુલાઈએ જમ્મુના ભગવતી નગરથી બાલટાલ અને નુનવાન તરફ કોઈ પણ કાફલાની આગળની યાત્રાને મંજૂરી આપવામાં નહીં આવે. યાત્રાળુઓને પરિસ્થિતિ અંગે સમયાંતરે માહિતગાર કરવામાં આવશે.”
અમરનાથ યાત્રા 2025 દરમિયાન અત્યાર સુધીમાં 3.93 લાખથી વધુ યાત્રાળુઓ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે. કાશ્મીરના વિભાગીય કમિશનર વિજયકુમાર બિધૂડીએ જણાવ્યું કે, “હાલના દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રાના પહલગામ માર્ગ પર તાત્કાલિક મરામતની જરૂર છે. યાત્રા 1 ઓગસ્ટથી બાલટાલ માર્ગ પરથી ફરી શરૂ કરવામાં આવશે.” 30 જુલાઈએ થયેલા ભારે વરસાદને પગલે બંને બેઝ કેમ્પ — બાલટાલ અને ચંદનવાડી/નુનવાનથી યાત્રાને રોકી દેવામાં આવી હતી.
આ વર્ષે યાત્રા 3 જુલાઈએ શરૂ થઈ હતી અને 9 ઓગસ્ટે પૂર્ણ થશે. પહલગામ માર્ગ પરથી આવતા યાત્રાળુઓ ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી પસાર કરીને ગુફા મંદિરે પહોંચે છે, જેમાં કુલ 46 કિમીની પદયાત્રા હોય છે, જેને પૂર્ણ કરવા ચાર દિવસ લાગે છે. બીજી તરફ, નાના બાલટાલ માર્ગથી યાત્રાળુઓ માત્ર 14 કિમીનું અંતર કાપે છે અને તે જ દિવસે પાછા આવી શકે છે. સુરક્ષા કારણોસર આ વર્ષે યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ નથી. શ્રી અમરનાથ યાત્રા હિંદુઓ માટે સૌથી પવિત્ર યાત્રાઓમાંની એક છે, કારણ કે માન્યતા છે કે ભગવાન શિવજીએ આ ગુફા મંદિરની અંદર માતા પાર્વતીને અમરત્વનો રહસ્ય સંભળાવ્યો હતો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

