અમદાવાદ, 19 ઓગસ્ટ, 2026 : AMC conducts mega-inspection drive to prevent the spread of mosquito-borne diseases શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરના ખાનગી અને સરકારી દવાખાનામાં મેલેરિયા તાવ, ડેન્ગ્યુ સહિતના દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિ. (AMC)ના મેલેરિયા વિભાગ દ્વારા દવા છંટકાવ, મચ્છરોના પોરાનો નાશ કરવો. ઘરના છત પર ભરાયેલા પાણીને દૂર કરીને જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ માથું ન ઊંચકે તે માટે એએમસીના આરોગ્ય અને મલેરિયા વિભાગે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતાં અને મચ્છરોની બ્રિડિંગ મળી આવતાં ઇન્ડિયા કોલોનીમાં આવેલા દેવાંશી આર્કેડને નોટીસ ફટકારી સીલ કરાયું છે. જ્યારે કોમર્શિયલ, કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અન્ય એકમોની તપાસ કરી ખાડિયા અને અસારવાના સુમેલ બિઝનેસ પાર્ક, ઓઢવની ડી માર્ટ, વસ્ત્રાલના બીઆરટીએસ ડેપો, સરખેજમાં આવેલી વોડાફોન ઑફિસ સહિતના 346ને નોટીસ ફટકારી 9.77 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શહેરના તમામ સાતેય ઝોનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ એકસાથે 1320 કન્સ્ટ્રક્શન સાઇટો તેમજ કોમર્શિયલ એકમો ખૂંદી વળી હતી. જેમાંથી 244 સાઇટ એવી હતી જ્યાં ખુલ્લામાં ભરાયેલા પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ મળ્યું હતું. આ સિવાય 102 જગ્યાએ અન્ય ખામી મળી આવી હતી. તંત્રે બિલ્ડરો તેમજ ચેરમેનોને કાયદાનો પાઠ ભણાવવા 346 એકમોને નોટિસ આપીને સ્થળ પર જ 9.77 લાખ રૂપિયાનો તોતિંગ દંડ વસૂલ્યો હતો. સૌથી વધુ દંડ સરદારનગરમાં આવેલા રિવેરા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડને 50 હજાર રૂપિયાનો કરાયો છે. આ સિવાય ખાડિયાની અંકુર ટેક્સટાઇલ મિલ અને નરોડાની શિવંતા વનને 25-25 હજાર રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે બાકીની સાઇટોને 20 હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરાયો છે.


