પોરબંદર, 19 ઓગસ્ટ, 2026 : Couple swept away in the sea at Madhavpur; wife dies. જિલ્લાના માધવપુર બિચ પર દિલ્હીથી ફરવા માટે આવેલા એક પરિવારમાં ખુશીની પળો માતમમાં ફેરવાઈ હોવાનો એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક બનાવ બન્યો છે. દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા દંપતી પૈકી પત્નીનું દરિયાના ઊંચા મોજામાં તણાઈ જવાથી ડૂબી જતાં મોત નીપજ્યું હતુ, જ્યારે પત્નીને બચાવવા જતાં પતિની હાલત પણ ગંભીર બની ગઈ છે. આ દુર્ઘટનાને પગલે કિનારે ઊભેલા પ્રવાસીઓએ બુમાબુમ કરી મુકતા અન્ય સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, દિલ્હીમાં રહેતા અંજલીબેન શર્મા અને તેમના પતિ હરિમોહન શર્મા દિલ્હીથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન દંપત્તી માધવપુર બીચ પર આવ્યુ હતું. દરિયાના મનોહર દ્રશ્યો વચ્ચે આ દંપતી પાણીની મજા માણવા માટે દરિયાકિનારે ઊભું હતું અને પાણીમાં પગ બોળી રહ્યું હતું. ત્યારે જ અચાનક જ દરિયામાં ઉછળેલા એક ભયાનક મોજાએ અંજલીબેનને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા. પોતાની પત્નીને આંખની સામે જ દરિયાના ઊંડા પાણીમાં તણાતી જોઈને પતિ હરિમોહન શર્માએ સહેજ પણ વિચાર કર્યા વગર પત્નીને બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી. જોકે, દરિયાનો પ્રવાહ અને મોજાનો વેગ એટલો તીવ્ર હતો કે હરિમોહનભાઈ પણ પાણીની અંદર ગરકાવ થવા લાગ્યા હતા. ક્ષણવારમાં જ પ્રવાસ દરમિયાન માણેલી ખુશીની પળો ચીસાચીસ અને આક્રંદ વચ્ચે માતમમાં ફેરવાઈ ગઈ હતી.
ઘટના બનતાં જ આસપાસમાં હાજર સ્થાનિક સાહસિક યુવકો અને અન્ય યાત્રાળુઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ જીવના જોખમે દરિયામાં કૂદીને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. પરંતુ કમનસીબે, અંજલીબેન શર્માએ પાણીમાં ગૂંગળાઈ જવાથી સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર હાલતમાં રહેલા તેમના પતિ હરિમોહન શર્માને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક અંજલીબેન શર્માના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


