1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના સાડીના કારખાનામાં જુના કારીગરે બે રાઉન્ડ ફાયર કરી ધમકી આપી
સુરતના સાડીના કારખાનામાં જુના કારીગરે બે રાઉન્ડ ફાયર કરી ધમકી આપી

સુરતના સાડીના કારખાનામાં જુના કારીગરે બે રાઉન્ડ ફાયર કરી ધમકી આપી

0
Social Share
  • સુરતના પૂણા ગામ નજીક સાડીના કારખાનામાં બન્યો બનાવ,
  • જુના કારીગરને માથાકૂટ કરીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું,
  • મોબાઈલની લૂંટ કરી 10 લાખ તૈયાર રાખવાનું કહ્યું

સુરતઃ શહેરના પુણા ગામમાં આવેલી સાડીના એક કારખાનામાં જુના કારીગરે કોઈ બાબતે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો બનાવ બન્યો છે. જોકે આ બનાવમાં કોઈને ઈજાઓ થઈ નથી. ફાયરિંગ કર્યા બાદ મોબાઈલ ફોનની લૂંટ કરીને જુનો કારીગર અને તેની સાથે આવેલો શખસ નાસી ગયા હતા. અને જતા જતા રૂપિયા 10 લાખ તૈયાર રાખવાની ધમકી પણ આપી હતી.

શહેરના પૂણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા હતા. આરોપી જતા જતા કારીગરોને કહેતો ગયો કે માલિકને કહેજો કે 10 લાખ તૈયાર રાખે. આ બનાવની જાણ થતાં પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંગ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે. ગઈકાલે તા.5 જૂનના રોજ બપોરે ખાતામાં ત્રણ કારીગરો જેમા મોહમંદ સમીર કમરૂદ્દીન અંસારી, દેવેન્દ્રકુમાર દધીબલપ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા. આશરે સાડા બારેક વાગ્યે દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો તેની પાસે બંદુક હતી. તે અને તેની સાથે બીજો એક અજાણ્યો શખ્સ હતો તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા. બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે “આપકો ખાતેમે કામ કરને કે લીયે મના કીયા થા. ફીર ભી યહ ખાતે મે કામ કયો કર રહે હો” તેમ ડરાવી ધમકાવી બહાર નહી જાના હૈં તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 10,000થી વધુની લૂંટ કરી “વાપસ કામ કરને આયે તો જાન સે માર દેંગે” ની ધમકી આપીને જતા રહ્યા હતા.

સાડીના કારખાનાના માલિક મદનસિંગ ભાટીએ જણાવ્યું હતું કે, હું માર્કેટમાં હતો અને મારા ખાતામાં બે જેટલા શખ્સો ઘૂસ્યા હતા. જે પૈકી એક મારો જૂનો કારીગર હતો જે દોઢ વર્ષ પહેલા કામ કરતો હતો. આ બંને શખ્સોએ કારીગરોને ધાકધમકી આપી હતી અને અહીં કામ નહીં કરવાનું જણાવ્યું હતું. આ સાથે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ તમારા માલિકને કહી દેજો કે દસ લાખ રૂપિયા તૈયાર રાખે તેવી ધમકી આપીને તેઓ ફરાર થઈ ગયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code