ગાંધીનગર, 30 ઓગસ્ટ, 2026 : Ancient coins found during excavations at a school in Ajol village જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામની પ્રાથમિક શાળા નંબર-૧માં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળી આવતા આ અંગે મામલતદાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલતદારે ગ્રામજનોની હાજરીમાં પંચનામું કરીને સિક્કાનો કબજો મેળવીને આ અંગે પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે. મળી આવેલા સિક્કાઓ દેખાવમાં ઘણા જૂના અને પ્રાચીન જણાઈ રહ્યા છે.
માણસા તાલુકાના આજોલ ગામની પ્રાથમિક શાળા નંબર-1ના આગળના ભાગમાં ચાલી રહેલી ખોદકામની કામગીરી દરમિયાન જમીનમાંથી જૂના સિક્કાઓ મળી આવ્યા હતા, પ્રાચીન સિક્કાઓ જમીનમાંથી મળી આવ્યાની વાત ગામમાં પ્રસરી જતા ગ્રામજનો પ્રાચીન સિક્કાઓને જોવા માટે એકઠા થઈ ગયા હતા. અને શાળાના આચાર્યએ તેમજ ગામના સરપંચે સિક્કાઓ મળ્યાની જાણ મામલતદાર કચેરી અને પોલીસને કરવામાં આવી હતી. તપાસ અધિકારીએ સ્થળની મુલાકાત લીધી અને જરૂરી કાર્યવાહી કરીને પંચનામું તૈયાર કર્યું. મળી આવેલા સિક્કાઓને કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ જાણ કરાઈ છે. મળી આવેલા સિક્કાઓ દેખાવમાં ઘણા જૂના અને પ્રાચીન જણાઈ રહ્યા છે. જોકે, આ સિક્કા કયા સમયગાળાના છે, કઈ ધાતુમાંથી બનેલા છે અને તેમનું ઐતિહાસિક મહત્વ શું છે, તે પુરાતત્વ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
માણસા મામલતદાર એ. એમ. જોષીએ જણાવ્યું કે, આજોલ પ્રાથમિક શાળાના આગળના ભાગમાં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કાઓને કબજે લઈને માણસા સરકારી તિજોરી કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરાઈ છે અને તેમની તપાસ બાદ સિક્કાઓ કેટલા પ્રાચીન છે તેમજ કઈ ધાતુના બનેલા છે તેની ચોક્કસ માહિતી મળી શકશે.


