ભાવનગર, 29 મે, 2026 : Son-in-law kills father-in-law after scolding him for working શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં રહેતા સસરાએ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો તેનો જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે અવાર-નવાર બોલાચાલી થતી હોય જમાઈને કામ-ધંધે જવા માટે શિખામણ આપતા ઉશ્કેરાયેલા જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયા (ઉં.વ. 60) પર જીવલેણ હુમલો કરી, માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી કરપીણ હત્યા કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેન્ક કોલોનીમાં રહેતા સસરાની જમાઈએ પેવર બ્લોકનો ઘા મારીને હત્યા કરી હતી. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે અવાર-નવાર બોલાચાલી થતી હતી. આથી સસરાએ જમાઈને કામ-ધંધે જવા માટે શિખામણ આપી હતી. સસરા ગોરધનભાઈ દલસાણિયાની શિખામણથી જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો. અને સસરાની હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલ અને બોરતળાવ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમની રચના કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક ગોરધનભાઈ ચિત્રા વિસ્તારની બેંક કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની દીકરીના લગ્ન ફુલસર વિસ્તારના સતનામ ચોકમાં રહેતા રાકેશ સાથે થયા હતા. રાકેશ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે, પરંતુ તે નિયમિત કામે જતો નહોતો. ક્યારેક હીરા ઘસવા જતો અને ક્યારેક ઘરે બેસી રહેતો હોવાના કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ થતો હતો. દીકરીને કોઈ ઓપરેશન માટે હોસ્પિટલ લઈ જવાની હતી, પરંતુ તે દાખલ ન થતાં ઘરે પરત આવી હતી. સાંજે આશરે 5:30 કલાકે રાકેશ કામે ન જવાના મુદ્દે ફરી ઝઘડો થયો હતો અને રાકેશ પત્નીને મારવા દોડ્યો હતો. તે સમયે સસરા ગોરધનભાઈએ વચ્ચે પડીને જમાઈને ઠપકો આપતાં રાકેશ તેમને લાફા મારીને ત્યાંથી જતો રહ્યો હતો. દરમિયાન સાંજના ઝઘડાનો ખાર રાખીને રાત્રિના સમયે જમાઈ રાકેશ તેની સાથે અન્ય સાત જેટલી મહિલાઓને લઈને સસરાના ઘરે ધસી આવ્યો હતો. ફરીથી ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ ગોરધનભાઈને નફ્ફટાઈથી પકડી રાખ્યા હતા ગોરધનભાઈના માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીંકી દીધો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે લોહીલુહાણ હાલતમાં ગોરધનભાઈને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલે જણાવ્યું હતું કે, ગુનો આચરીને નાસી છૂટેલા જમાઈ રાકેશ, પારુબેન અને તેમની સાથે આવેલી મહિલાઓ સહિતના તમામ આરોપીઓને વહેલી તકે જેલભેગા કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


