
દિલ્હીમાં ‘આપ’ની હાર માટે અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂટણી પરિણામાં ભાજપાએ આમ આદમી પાર્ટીના વિજયરથને આ વખતે અટકાવ્યો છે. તેમજ 27 વર્ષ બાદ ફરીથી ભાજપા દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. સીએમ આતિશીને બાદ કરતા દિલ્હી સરકારની કેબિનેટના મોટાભાગના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર માટે સામાજીક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં હતા. તેમણે કહ્યું કે, દારૂ નીતિ અને પૈસા ઉપર પુરુ ધ્યાન આપવાના કારણે આમ આદમી પાર્ટી ડુબી છે.
અન્ના હજારેએ જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી કહેતો આવ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારનું ચારિત્ર્ય હોવું જોઈએ, સારા વિચારો હોવા જોઈએ અને તેની છબી ખરડાય નહીં. પરંતુ, તેમને (AAP) તે સમજાયું નહીં. તે દારૂ અને પૈસામાં ફસાઈ ગયા, જેનાથી તેની (અરવિંદ કેજરીવાલની) છબી ખરાબ થઈ. મેં તેમને (અરવિંદ કેજરીવાલ) પહેલા પણ સમજાવ્યું હતું, પણ તેમના ધ્યાનમાં આ વાત આવી નહીં. તેઓ દારૂ અને પૈસામાં ફસાયા હતા.
અન્ના હજારેએ વધુમાં કહ્યું કે લોકોએ જોયું છે કે અરવિંદ કેજરીવાલ ચારિત્ર્યની વાત કરે છે પણ દારૂ પીવે છે. હજારેએ કહ્યું કે રાજકારણમાં આરોપો લગાવવામાં આવે છે અને તેમણે સાબિત કરવું પડે છે કે તેઓ દોષિત નથી. અન્ના હજારેએ વધુમાં કહ્યું કે AAP હારી ગઈ કારણ કે તે નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરવાની જરૂરિયાતને સમજવામાં નિષ્ફળ ગઈ. તેણે ખોટો રસ્તો અપનાવ્યો. પૈસા તમારી કારમાં આગળની સીટ પર આવી ગયા અને લોકોની સેવા પાછળની સીટ પર આવી ગઈ.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં અન્ના હજારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલન પછી જ 2012 માં કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી (AAP) ની સ્થાપના થઈ. કેજરીવાલને હજારેના સમર્થક માનવામાં આવે છે, પરંતુ 2012 માં તેમણે AAP ની રચના કર્યા પછી બંને અલગ થઈ ગયા.