દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, નુહમાંથી ખરીદાયું 20 ક્વિન્ટલ એમોનિયમ નાઈટ્રેટ!
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સોમવારે લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે તપાસ એજન્સીઓ દેશભરમાં દરોડા પાડી રહી છે. હવે આ કેસના તાર હરિયાણાના નુહ (મેવાત) વિસ્તાર સુધી પહોંચ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નુહમાંથી 20 ક્વિન્ટલ NPK (એમોનિયમ નાઇટ્રેટ) ખરીદવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ બ્લાસ્ટમાં થયો હોવાની આશંકા છે. આ વિસ્ફોટક સામાન્ય રીતે ગેરકાયદે ખનન માટે કરાય છે. તપાસમાં ખુલ્યું છે કે આતંકીઓને મદદ કરનારા કેટલાક લોકોએ તેની ખરીદીમાં ભૂમિકા ભજવી હોઈ શકે છે. હાલ તપાસ એજન્સીઓ નુહ વિસ્તારમાં ખાતરનાં ગોડાઉનોની તપાસ કરી રહી છે અને વિક્રેતાઓની પૂછપરછ કરી રહી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકીઓએ લગભગ 20 ક્વિન્ટલ NPK ખાતર નુહમાંથી જ ખરીદ્યું હતું. સ્થાનિક ખાતર વિક્રેતાએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી છે. કાયદા મુજબ, NPK જેવા રસાયણિક ખાતર ખરીદવા માટે રજિસ્ટ્રેશન જરૂરી હોય છે, એટલે આટલી મોટી માત્રામાં ખરીદી સ્થાનિક મદદ વિના શક્ય નહોતી.
સૂત્રો મુજબ, દિલ્હી પોલીસ અને એજન્સીઓની ટીમ હરિયાણાના નુહ-ફિરોઝપુર ઝિરકા વિસ્તારના વસઈ મેવ ગામે પહોંચી હતી. આ વિસ્તારમાં ગેરકાયદે ખનન ધમધમી રહ્યાં છે. જેમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ વિસ્ફોટ માટે થાય છે. તપાસ એજન્સીઓએ આ એંગલ પરથી તપાસ શરૂ કરી છે કે આતંકીઓને આ વિસ્ફોટક સામગ્રી એ જ જગ્યા પરથી મળી હતી કે કેમ. વસઈ મેવ અને નાગલ ગામમાં ચોરીછુપે વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરીને ખાણકામ થતું હોવાનું પણ જાણવા મળે છે. એજન્સીઓ હાલ આ જ વિસ્ફોટકની સપ્લાય ચેઇન અને સ્થાનિક સહયોગીઓને ઓળખવામાં લાગી છે.


