ભાવનગર, 06 માર્ચ 2026: Artificial water tanks prepared for lions as temperatures rise ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જોકે ડિપ્રેશનને લીધે બે-ત્રણ દિવસ વાતાવરણમાં પલટો આવ્યો હતો, પણ હવે ગોહિલવાડ પંથકમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વધેલી ગરમીને કારણે પાણીની જરૂરિયાત ઊભી થાય છે. આકરી ગરમીમાં કુદરતી વાતાવરણમાં રહેતા સાવજને ગરમીમાં રાહત આપવા વન વિભાગ પણ સજ્જ બન્યું છે અને વન્ય પ્રાણીઓ માટે વિવિધ સ્થળોએ પાણીના કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો ઊંચકાયો છે. 35 ડિગ્રી સુધી પહોંચેલો પારો આકરી ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે. ભાવનગર જિલ્લો સિંહનું નવું રહેઠાણ બની ગયો છે. ત્યારે વન વિભાગે આકરી ગરમીને પગલે સાવચેતીના પગલાં ભર્યા છે. વન વિભાગ દ્વારા જિલ્લામાં 118 જેટલા સિંહો નોંધાયેલા હોય ત્યારે ગરમીને ધ્યાનમાં રાખીને તેના માટે 106 જેટલા પોઇન્ટ પીવાના પાણીના બનાવવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય છે. અને એપ્રીલ-મે મહિનામાં તો તાપમાનનો પારો 42થી 44 ડિગ્રીએ પહોંચી જશે. એટલે વન વિભાગ દ્વારા અત્યારથી જ વનરાજો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. અને વિવિધ સ્થળોએ કૃત્રિમ કૂંડ બનાવવામાં આવ્યા છે. કૂંડ પાણીથી ભરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જિલ્લામાં 106 જેટલા પીવાના પાણીના પોઇન્ટ છે તેની સફાઈ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે તેની આસપાસ કોથળાઓ પણ મૂકવામાં આવે છે જેથી કરીને પાણી વાળા કોથળાઓને લઈને સિંહને ઠંડક મળી શકે. હાલમાં વન વિભાગે આ પ્રક્રિયા હાથ ધરી લીધી છે.
ભાવનગર જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં સિંહોની સંખ્યા નોંધાયેલી છે અને તે પ્રમાણે જંગલ વિસ્તારમાં પાણીના પોઇન્ટ કરવામાં આવે છે. DFO યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે 106 જેટલા પોઇન્ટ છે પરંતુ અમે સિંહની મુવમેન્ટને ધ્યાનમાં રાખીને હાલમાં પણ બીજા પોઇન્ટ કઈ રીતે વધારી શકાય અને ગરમીમાં સિંહોને રાહત મળી રહે તે માટેના પ્રયત્નો હાલમાં હાથ ધરેલા છે.


