
અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
અમદાવાદઃ ન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે અમદાવાદમાં મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાસ કરીને પ્રોજેક્ટના મુખ્ય કેન્દ્રો – સાબરમતી હાઈ સ્પીડ રેલ (HSR) સ્ટેશન, મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રોલિંગ સ્ટોક ડેપો પર ચાલી રહેલા કામકાજની સમીક્ષા કરી હતી. બુલેટ ટ્રેન કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન સાબરમતી ખાતે આકાર લઈ રહ્યું છે, જેની ડિઝાઈન મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત છે. આ 45000 ચોરસ મીટરમાં ફેલાયેલા સ્ટેશનની મુલાકાત રેલવે મંત્રીએ લીધી હતી.
મહત્વનું છે કે, ટ્રેક ફ્લોર (પ્લેટફોર્મ ફ્લોર) સુધીનું માળખાકીય કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જેમાં ગ્રાઉન્ડ લેવલ, પ્રથમ માળ, બીજો માળ અને છત પ્લાઝાનો સમાવેશ થાય છે. હાલમાં આંતરિક અને MEP (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ) નું કામ ઝડપથી પ્રગતિમાં છે. આ સ્ટેશન વિશ્વ કક્ષાની સુવિધાઓ જેવી કે વેઇટિંગ લાઉન્જ, રેસ્ટ રૂમ અને રિટેલ આઉટલેટ્સ પ્રદાન કરશે અને હાલના રેલવે, મેટ્રો અને BRTS નેટવર્ક સાથે સીધું જોડાણ ધરાવશે. સાબરમતી HSR મલ્ટિમોડલ હબનું તમામ બાંધકામ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ હબ HSR સ્ટેશનને સાબરમતી રેલ્વે સ્ટેશન, મેટ્રો અને BRTS સાથે સરળતાથી જોડે છે. મેટ્રો, BRTS અને બુલેટ ટ્રેન ટર્મિનલ સ્ટેશન વચ્ચે 10 મીટરના સ્કાય વૉક દ્વારા કનેક્ટિવિટી પણ તૈયાર છે.
આ ઇમારતની આગળની દીવાલ પર દાંડી માર્ચનું સ્ટેનલેસ-સ્ટીલ ભીંતચિત્ર લગાવવામાં આવ્યું છે, જે સાબરમતીના ઐતિહાસિક વારસાને દર્શાવે છે. હબમાં ઓફિસ સ્પેસ, હોટેલ સુવિધાઓ અને 1200વાહનો માટે પાર્કિંગની સુવિધા છે. પ્રોજેક્ટ હેઠળના ત્રણ ડેપોમાંથી સૌથી મોટો, સાબરમતી HSR રોલિંગ સ્ટોક ડેપો ૮૪ હેક્ટરમાં ફેલાયેલો છે. આ ડેપો ટ્રેનસેટના હળવા અને ભારે જાળવણી માટેનું કેન્દ્ર બનશે. વહીવટી ઇમારત, નિરીક્ષણ શેડ અને ટ્રેક માટેની માળખાગત સુવિધાઓનું બાંધકામ અહીં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ડેપો પર્યાવરણને અનુકૂળ રહે તે માટે વરસાદી પાણીનો સંગ્રહ અને સૌર ઊર્જાની જોગવાઈઓથી સજ્જ હશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ: 325કિમી વાયડક્ટનું કામ પૂર્ણ.
પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 325કિમી વાયડક્ટ અને 400કિમી પીયર (પાયા)નું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 17 નદી પુલ, 5 પીએસસી પુલ અને 10 સ્ટીલ પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમજ 216 કિમી ટ્રેક બેડ નાખવામાં આવ્યો છે. દરમિયાન 4 લાખથી વધુ અવાજ અવરોધો (Noise Barriers) સ્થાપિત કરાયાં છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કામની ગતિની પ્રશંસા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવા માટે ટ્રેક પર છે. તેમણે ટિપ્પણી કરી કે આ દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વ કક્ષાના માળખાગત સુવિધા અને ‘2047માં વિકસિત ભારત’ના વિઝનનું પ્રતીક છે.