ઉત્તરાયણમાં ચાઈનીઝ માંઝા- તુક્કલ, લંગર, લાઉડ સ્પીકર વગેરે પર પ્રતિબંધ
અમદાવાદઃ આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણ તહેવારને લઈને ચાઈનીઝ તુક્કલ, લોન્ચર,લેન્ટર્ન, ચાઈનીઝ દોરી, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી દોરી વગેરે પર રાજકોટ જિલ્લામાં શહેર કમિશનર બ્રજેશ ઝા એ પ્રતિબંધ મૂક્યો છે.
ચાઈનીઝ માંઝા, તુક્કલ તેમજ અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી ઉપરાંત પતંગ ચગાવવા માટે અન્ય હાનિકારક પદાર્થો જેમ કે, સિન્થેટિક માંઝા અથવા ટોકસીક, જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ પ્રકારની સામગ્રી કોઈ વેપારી, વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ, વેચાણ કે ઉપયોગ ન કરવા, જાનનું જોખમ થાય તે રીતે કોઈ પણ વ્યક્તિએ જાહેર માર્ગો, રસ્તા, ફૂટપાથ તેમજ ભયજનક હોય તેવી અગાસી પર પતંગ ઉડાવવા કે પકડવા દોડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ ન લખવા, જાહેરમાર્ગો ઉપર પશુઓ માટે ઘાસચારો વેચાણ કરવા ઉપરાંત ગાય કે, પશુઓને ઘાસચારો નાંખી ટ્રાફિક અવરોધ ઉભો ન કરવા, જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર ન વગાડવા, કપાયેલ પતંગો અને દોરા મેળવવા માટે વાસના બંબુ દ્વારા ધાતુના તાર પર લંગર ન નાંખવા તેમજ તારમાં ભરાયેલ પતંગ કે દોરી ન કાઢવા આ આદેશમાં જણાવાયું છે.