
બાંગ્લાદેશઃ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભારતે લંબાવ્યો મદદનો હાથ, ઘાયલોની સારવાર માટે મેડિકલ ટીમને ઢાંકા મોકલાવી
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારતે પાડોશી દેશ માટે મદદનો હાથ લંબાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઢાકામાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને સહાયની ખાતરી આપી હતી. તો બીજી તરફ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઢાકા પ્લેન ક્રેશ દુર્ઘટનાના પીડિતોની સારવાર માટે ભારતના બર્ન નિષ્ણાત ડોકટરો અને નર્સોની એક ટીમ ટૂંક સમયમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે. તેમની સાથે જરૂરી તબીબી સહાય પણ મોકલવામાં આવશે. ડોકટરો અને નર્સોની આ ટીમ દર્દીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂર પડ્યે ભારતમાં વધુ સારવાર અને વિશેષ સંભાળની ભલામણ કરશે.
પ્લેન ક્રેશ દુર્ઘટના વિશે બાંગ્લાદેશની સેનાએ કહ્યું હતું કે, ‘આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે સર્જાઈ હતી. પાયલટે વિમાનને વસાહતથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સ્કુલ સાથે અથડાયું હતું. આ મામલે વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.’ આ ઘટનાને કારણે બાંગ્લાદેશના સરકારે રાજકીય શોક જાહેર કર્યો છે.
ઢાકામાં માઈલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં 21મી જુલાઈના રોજ એરફોર્સનું એક F-7 ટ્રેઈની વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનમાં 27 લોકોનાં મૃત્યુ નીપજ્યા અને 170થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મોટાભાગના સ્કૂલના બાળકો છે.