
વડોદરાઃ આણંદમાં બેંક લોકરમાંથી 60 તોલા સોનાના દાગીના અને 10 લાખની ચોરીના કેસમાં પોલીસે બેંકના પટાવાળાની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. તેમજ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. પોલીસે સોનાના દાગીના અને રોકડ રકમની રીકવરી કરવા માટે કવાયત શરૂ કરી છે.
આણંદના ચિખોદરા ગામની બેંક ઓફ બરોડાના લોકમાંથી 60 તોલા સોનાના દાગીને અને 10 લાખની રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસે આ ઘટના મામલે બેંકના પટાવાળા પણ શંકા વ્યક્ત કરી હતી. પોલીસે ગુનો નોંધીને LCBને તપાસ સોંપી હતી અને પટાવાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વઘાસી ગામના સુભાષ કાંતિભાઇ પટેલે ચિખોદરાની બેંક ઓફ બરોડામાં પોતાની પત્નીના નામનું સંયુક્ત લોકર ખોલાવ્યું હતું. તા. 7મી ફેબુ્રઆરી 2024ના રોજ તેમણે લોકર ખોલ્યૂ હતું અને તે વખતે બેંકના પટાવાળા વિપુલ વિનુ કેસરિયા લોકરની ચાલી લઇને આવ્યો હતો. બાદ સુભાષભાઇએ લોકરનો ઉપયોગ કરી તેને બંધ કરી રજિસ્ટરમાં નોધ કરી હતી.
18મી સપ્ટેમ્બરના રોજ સુભાષબાઇ પુત્ર સાથે બેંકમાં ગયા હતા અને લોકર ખોલતા 60 તોલા સોનાના દાગીના અને દસ લાખ રોકડ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળતા હેબતાઇ ગયા હતા. જોકે, લોકરમાંથી માત્ર ઘડિયાળ સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા અને ઝુમ્મર મળ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની જાણ બ્રાન્ચ મેનેજરને કરી હતી. એક ચાવી ખાતેદાર અને એક ચાવી બેંક પાસે રહે છે. બેંકના કોઇ કર્મચારીએ આ કરતૂત કર્યું હોવાની આશંકા વ્યકત કરાઇ હતી. આરોપી વિપુલ કેસરીયાએ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં આગોતરી જામીન અરજી કરી હતી અને સુપ્રિમ કોર્ટે બે સપ્તાહમાં આરોપીને સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. છેલ્લે લોકર ખોલનાર પટાવાળા વિપુલ કેસરીયા ( રહે,ગણેશ ચોકડી, આણંદ)ની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરતા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.