રાજકોટ.11 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યુ હતું કે, “ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે ડેટા સામે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે ભારત પાસેથી દુનિયાની અપેક્ષાઓ વધી રહી છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભારતમાં મોંઘવારી કંટ્રોલમાં છે. ખેડૂતોની પેદાશ એટલે કે કૃષિ ઉત્પાદન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. જેનરિક દવાઓના ઉત્પાદનમાં પણ ભારત આજે દુનિયામાં પહેલા નંબર છે અને દુનિયામાં સૌથી વધુ વેક્સિન બનાવનારો દેશ પણ ભારત જ છે.
રાજકોટમાં નારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યુ હતું કે, ‘છેલ્લા 11 વર્ષોમાં ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઈલ ડેટા કન્ઝ્યુમર બની ગયો છે. આપણું UPI દુનિયાનું નંબર 1 રિયલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ બની ગયું છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. ભારત પાસે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. આપણે ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ છીએ. મેટ્રો નેટવર્કના મામલામાં આપણે દુનિયાના ટોપ-3 માં સામેલ થઈ ગયા છીએ. ભારત ટૂંક સમયમાં જ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી હશે. આવી સ્થિતિમાં અમેરિકા હોય કે ચીન, ભારતને નજરઅંદાજ કરવું હવે કોઈના હાથની વાત નથી.’
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યુ હતું કે, “2026ની શરૂઆત પછી આ મારી ગુજરાતની પ્રથમ મુલાકાત છે. તે વધુ સુખદ એટલા માટે છે કારણ કે મારી 2026ની યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં નમન કરીને શરૂ થઈ છે. હું ગુજરાતના દિલ રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. તેનો અર્થ છે ‘વિકાસ અને વિરાસત’ બન્ને. આ મંત્ર આજે દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે.”
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, “આ સફરની શરૂઆત એક સપનાથી થઈ હતી જે આજે નવા મુકામ પર છે. અમે કોર્પોરેટ ગ્રુપ, કો-ઓપરેટિવ અને સ્ટાર્ટઅપ્સ સાથે સીધી ચર્ચા કરીએ છીએ. છેલ્લા 20 વર્ષોમાં વાઈબ્રન્ટ ગુજરાત (VG)એ કંઈક નવું અને ખાસ લક્ષ્ય હાંસલ કર્યું છે. રિજનલ સમિટ હવે ઇન્ટરનેશનલ બની ગઈ છે. દરેક સમિટની પોતાની સંભાવના અને ક્ષમતા હોય છે. 21મી સદીનો એક ચોથાઈ ભાગ વીતી ચૂક્યો છે. ભારત ત્રીજી મોટી ઇકોનોમી તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ભારત પાસે દુનિયાની અપેક્ષાઓ વધી રહી છે. મોંઘવારી કંટ્રોલમાં છે. સૌથી ઝડપી વિકાસ થઈ રહ્યો છે. દૂધ, જેનરિક મેડિસન, સૌથી વધુ વેક્સિન ભારત બનાવી રહ્યું છે. ”


