1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ GST વિભાગની જોહુક્મીથી સંકટમાં મુકાયો
ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ GST વિભાગની જોહુક્મીથી સંકટમાં મુકાયો

ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ GST વિભાગની જોહુક્મીથી સંકટમાં મુકાયો

0
Social Share
  • સ્ક્રેપના તમામ પાર્ટ્સ, મશિનરીનું વર્ગિકરણ કરવાનો ફતવો નુકસાનકારક
  • નિકાસના ઓર્ડરો નવા નિયમોના સ્પષ્ટીકરણના અભાવે પેન્ડિંગમાં પડી રહ્યા છે
  • કસ્ટમ્સના અધિકારીઓ  વધુ જીએસટી હોય તો રીફંડ કૌભાંડની શંકાએ માલ અટકાવે છે

 ભાવનગરઃ જિલ્લાનો શિપ બ્રેકિંગ યાર્ડ છેલ્લા ઘણા વખતથી મંદીનો સામનો કરી રહ્યો છે. હવે જીએસટીના અટપટા નિયમોને કારણે શિપ બ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શિપ રીસાયકલિંગ અને શિપ મશિનરી વ્યવસાય ક્ષેત્રે સેન્ટ્રલ જીએસટી દ્વારા લાદવામાં આવેલા નવા નિયમોથી બંને ઉદ્યોગમાં સન્નાટો છવાયો છે. સ્ક્રેપની મશિનરીનું વર્ગિકરણ અને તે મુજબ GST HSN કોડમાં પરિવર્તિત કરવા બાબત ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને હાલ નિકાસના ઓર્ડરો નવા નિયમોના સ્પષ્ટીકરણના અભાવે પેન્ડિંગમાં પડી રહ્યા છે.

અલંગ શિપ બ્રિકિંગ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ  તા.1લી એપ્રિલથી સીજીએસટી દ્વારા અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોમાંથી નીકળતી મશિનરી અને તેના સ્પેર પાર્ટ્સના બિલ બનાવતી વેળાએ માત્ર જુની, વપરાયેલી મશિનરી, મશિનરી પાર્ટ્સના હેડ તળે નિકાસ માટે અને ભારતમાં વેચાણ માટેના જીએસટી હેતુના બિલ બનાવવામાં આવે છે તેનો ઉલ્લેખ કરાતો હતો. આંગળીના વેઢે ગણી શકાય તેટલા ભેજાબાજો સ્ક્રેપની મશિનરીને રંગરોગાન કરી ચાલુ જૂની મશિનરીમાં ખપાવી અને જીએસટી રીફંડ મેળવવાના કૌભાંડ આચરવામાં આવતા હતા, આવા ભેજાબાજોને નાથવાને બદલે, સીજીએસટીએ તમામ શિપ મશિનરી ઉદ્યોગને જીણી જીણી બાબતના HSN કોડમાં વર્ગિકરણ બાબતે ફતવો બહાર પાડતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

શિપ મશિનરી નિકાસકારોના કહેવા મુજબ  શિપમાંથી નીકળતી મશીનરી જ્યાં એક્સપોર્ટ થાય છે ત્યાં કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ જો વધુ જીએસટી હોય તો રીફંડના કૌભાંડની શંકાએ માલ અટકાવે છે. અને 18 ટકામાં બિલ કરવા દબાણ કરે છે, જ્યારે 18 ટકામાં બિલ બનાવીએ તો જીએસટી વાળા 28 ટકાનો આગ્રહ રાખે છે, વ્યવસાયકારોની હાલત આગે કુઆ, પીછે ખાઇ જેવી છે. જો કે, નિકાસકારો 18 કે 2 8ટકા જીએસટી ભરપાઇ કરે તેઓને રિફંડ તો મળવાનું જ છે, પ્રશ્ન માત્ર વર્ગિકરણનો અને તેના મુજબ ખરીદી દર્શાવવાનો છે. માત્ર શિપ મશિનરી વ્યવસાયકારોને જ નહીં, પરંતુ સીજીએસટીનો નવો ફતવો શિપ રીસાયકલિંગના વ્યવસાયકારોને પણ એટલો જ લાગુ પડે છે. હાલ બંને વ્યવસાય અસમંજસતામાં ગરકાવ થયેલ છે. તંત્ર સમક્ષ આ બાબતે કાયમી અને યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆતો કરી રહ્યા છે. CGSTના પ્રકરણ 84 અથવા 85 તળે જૂની, વપરાયેલી મશિનરી અથવા મશિનરી પાર્ટ્સમાં તબદીલી લાવવામાં આવી છે. શિપ બ્રેકરોના મતે આખી મશીનરીનું વેચાણ થાય છે અને બિલ બનતુ હોય છે પરંતુ તે મશીનરીની અંદર ક્યા ક્યા પાર્ટ્સ છે તેનું વર્ગિકરણ અને બિલ બનાવવા, જુદા HSN કોડમાં વહેંચવાની બાબત અશક્ય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code