
- બાઈલચાલક યુવક કારખાનામાં નોકરી કરીને પરત ફરી રહ્યો હતો
- બે બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ
- લોધિકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
રાજકોટઃ શહેર નજીક આવેલા પાળ ગામ પાસે બેકાબૂ ડમ્પરે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાઈકચાલક યુવાન બે બહેનોના એકના એક ભાઇનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. મૂળ કાલાવડના વતની અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર માધવ પાર્કમાં રહેતો યુવક રાવકી કારખાનામાં કામ કરતો હતો અને કામ કરી ઘેર પરત ફરતો હતો ત્યારે આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા લોધિકા પોલીસે જણાવ્યુ હતુ.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર માધવ પાર્કમાં રહેતો રવિભાઇ ચંદ્રેશભાઇ મુંગરા (ઉ. વ.26) તેનું બાઇક લઇને રાવકીથી રાજકોટ તેના ઘેર પરત ફરતો હતો ત્યારે પાળ ગામ પાસે દ્વારકાધીશ હોટેલ પાસે ડમ્પરે ઠોકરે લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા લોધિકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જ્યારે અન્ય બનાવમાં મવડી નજીક વિશ્વનગરમાં રહેતા પૌઢાએ બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. વિશ્વનગરમાં રહેતા હંસાબેન ભીમજીભાઇ ગાધેર (ઉ. વ.58) પોતાના ઘેર હતા ત્યારે એસિડ પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હંસાબેનને કેટલાક સમયથી માનસિક બીમારી હોય સારવાર ચાલુ હોવા છતાં સારું ન થતાં બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હતું.