
લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બુદ્ધેશ્વર વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં યોજાઈ રહ્યો હતો દરમિયાન અચાનક એક દીપડો ધુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. વરરાજા કલાકો સુધી પોતાની કારમાં અટવાયેલા રહ્યા હતા, વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પકડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો..
સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે આ ઘટના પર સરકારની ટીકા કરી અને કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટી (BJP) ની આગેવાની હેઠળની સરકારમાં ભ્રષ્ટાચારને કારણે થયું છે જેના કારણે જંગલોમાં માનવ અતિક્રમણ વધી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે રાત્રે બુધેશ્વર રિંગ રોડ વિસ્તારમાં આવેલા એક ‘લગ્ન મંડપ’માં બની હતી, જ્યાં દીપડો ઘૂસી ગયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી અને મહેમાનો પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યાં હતા. લગ્ન મંડપમાં હાજર વરરાજા અને કન્યાને પણ પોતાનો જીવ બચાવવા માટે પોતાની કાર તરફ દોડવું પડ્યું હતું. બાદમાં વન વિભાગ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડાના હુમલામાં વન અધિકારી મુકદ્દર અલી ઘાયલ થયા હતા, તેમના હાથમાં ઈજા થઈ હતી. વન વિભાગની ટીમ દ્વારા ઘણી મહેનત બાદ, રાત્રે લગભગ 2 વાગ્યે દીપડાને શાંત કરવામાં આવ્યો (ઈન્જેક્શન આપીને બેભાન કરવામાં આવ્યો), ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. એક મહેમાને કહ્યું કે દીપડો પકડાયો ત્યાં સુધી બંને પક્ષના પરિવારો પોતાના વાહનોમાં બેઠા રહ્યા હતા.