1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાબરમતી જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત કેદીઓના તેજસ્વી સંતાનોનું બહુમાન કરાયું
સાબરમતી જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત કેદીઓના તેજસ્વી સંતાનોનું બહુમાન કરાયું

સાબરમતી જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત કેદીઓના તેજસ્વી સંતાનોનું બહુમાન કરાયું

0
Social Share

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ’ તરીકે પસંદગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર, જેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક’ (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે.બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાના હસ્તે ‘વિકાસદીપ’ યોજના હેઠળ રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જેલ મહાનિરીક્ષક, અમદાવાદ જેલ અધિક્ષક  ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ. સોલંકી, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલ પ્રશાસનની આ સુધારાત્મક પ્રવૃત્તિને હાજર સૌએ હૃદયપૂર્વક વધાવી લીધી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code