ગાંધીનગર, 23 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અડાલજ નજીક મહેસાણા હાઈવે પર સર્જાયો હતો. અડાલજ નજીક શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતા કારચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કારચાલકનું મોત નિપજ્યુ હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, લગ્નના ઓર્ડર માટે અમદાવાદથી ભાડે કેમેરા લઈને કારમાં મધરાત બાદ પાલનપુર જઈ રહ્યા હતા, ત્યારે અડાલજ નજીક શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે કારચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવતા કાર ડિવાઈડ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકોદોડી આવ્યા હતા. જો કે કારમાં સવાર કારચાલકનો મિત્ર સલામત રીતે બહાર નીકળી ગયો હતો. પણ કારચાલકને ગંભીર ઈજા થતા યુવકને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બીજા મિત્રને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આ બનાવમાં આણંદ જિલ્લાના નાપા ગામના વતની અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશ તળપદાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા એક વર્ષથી પાલનપુરના કિરણ રાજેશભાઈ શર્મા સાથે ફોટોગ્રાફીનું કામ કરે છે. પાલનપુર ખાતે લગ્નનો ઓર્ડર હોવાથી તેમને કેમેરાની જરૂર હતી. આ માટે બંને મિત્રો હોન્ડા સિટી કાર લઈને રાત્રિના સમયે અમદાવાદના ચાંદખેડા સ્થિત યુનિક કેમેરા રેન્ટલ ખાતે કેમેરા લેવા આવ્યા હતા. બાદમાં મધરાત બાદ આશરે 4 વાગે ચાંદખેડાથી કેમેરા લઈને બંને મિત્રો પરત પાલનપુર જવા નીકળ્યા હતા, ત્યારે કાર કરણ શર્મા ચલાવી રહ્યો હતો. એ દરમિયાન અડાલજ ગામ પાસે શ્રીનાથ પેટ્રોલ પંપ સામે સ્વાગત સિટી સોસાયટી નજીક પહોંચતા જ કરણે અચાનક ગાડી પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના લીધે પૂરઝડપે કાર રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના પગલે બંને મિત્રો કારમાં દબાઈ ગયા હતા. જોકે, જયેશ કોઈ રીતે ગાડીની બહાર નીકળી ગયો હતો અને રાહદારીઓની મદદથી કાર સીધી કરી કરણને બહાર કાઢ્યો હતો. જોકે કરણના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો.બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 23 વર્ષીય મૃતક કરણ શર્મા પાલનપુરના અંબિકાનગરનો રહેવાસી હતો. આ ઘટનાથી પાલનપુરના ફોટોગ્રાફર આલમમાં અને મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


