ગાંધીનગર, 22 ઓગસ્ટ, 2026 : Campaign by GPCB to clean pilgrimage sites ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા શ્રાવણ માસથી શરૂ થતા વિવિધ ધાર્મિક પર્વોને ધ્યાન પર રાખીને રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી અર્થે “સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાના માર્ગદર્શનમાં “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ”ના સૂત્ર હેઠળ આ સમગ્ર રાજ્ય વ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા તમામ પ્રાદેશિક અધિકારીઓ, મંદિર ટ્રસ્ટો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ અંગે જરૂરી અમલીકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના વિસ્તારને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’ જાહેર કરાશે, જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) પર ઝીરો-ટોલરન્સ નીતિ રહેશે.
સ્થાનિક NGOs, સખી મંડળો, સ્વયંસેવકો (NSS/NCC) અને યુવક મંડળોને “હરિત સાથી” અને “સ્વચ્છ તીર્થસ્થાન સેવક” તરીકે જોડી જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ધાર્મિક સ્થળો, નદીઓ, સમુદ્ર તટ અને વન વિસ્તારોમાં ગંદકી અટકશે અને ભક્તોને વધુ સ્વચ્છ, શાંત તથા ભક્તિમય વાતાવરણ મળશે. ધાર્મિક સ્થાનો આસપાસ સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) પર રોક લગાવવાથી અને કમ્પોસ્ટેબલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધવાથી પર્યાવરણનું જતન થશે.
GPCB દ્વારા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપે અને ધાર્મિક પવિત્રતાની સાથે પર્યાવરણની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે તે જરૂરી છે.


